તહેવાર ટાણે સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં લાગી આગ, કરોડોનો માલ બળી ભષ્મ

અમદાવાદ: ગુજરાતના કલોલ નજીક સાંતેજ GIDCમાં આવેલી પ્રસિદ્ધ સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં તાજેતરમાં ભારે આગ લાગવાની ઘટના બની હતી. જ્યાં અચાનક ફાટી નીકળેલી આગને કાબુમાં લેવા માટે અનેક ફાયર બ્રિગેડની ટીમોને કલાકો સુધી મહેનત કરવી પડી હતી. ઉલ્લેખનીય છે કે તહેવારના સમયમાં સોનલ બેન ખાખરાવાળાની ફેક્ટરીમં આગ લાગવાથી કરોડોનું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે ફેક્ટરીમાં આગ લાગી હતી, જેમાં અમદાવાદની ચાર, ગાંધીનગરની બે, કલોલની એક, વડસર એરફોર્સની એક અને અરવિંદ મિલની એક ફાયર ગાડીઓએ મળીને લાખો લીટર પાણી વાપરીને આગ પર કાબુ મેળવ્યો. આ આગ ઓલવવા માટે 55થી વધુ ફાયરમેન ઘટના સ્થળે મહેનત કરી રહ્યા હતા. ફેક્ટરીમાં આગ લાગવા ઉપરાંત LPG સિલિન્ડરોનો વિસ્ફોટ પર થયો હતો જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી. પરંતુ સદ્ભાગ્યે કોઈ જાનહાનિ નથી થઈ.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગમાં લગભગ ત્રણ કરોડ રૂપિયાનો માલ સળગીને ખાખ થઈ ગયો છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફેક્ટરીમાં મોટી માત્રામાં ઉત્પાદન તૈયાર કરવામાં આવ્યું હતું, જે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં વેચાણ માટે મોકલવાનું હતું. ફેક્ટરીમાં મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ અને પેકેજિંગનું કામ થતું હતું, અને સામાન્ય રીતે રાત્રિની શિફ્ટ નહોતી ચાલતી, જેના કારણે ઘટના સમયે ફેક્ટરી બંધ હતી.
ફેક્ટરમાં આગ લાગવાનું કારણે શોર્ટ સર્કિટ હોવાની વાતનો પણ ખુલાસો પ્રાથમિક રિપોર્ટમાં થયો. જોકે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના અહેવાલ પછી જ ચોક્કસ કારણ જાણી શકાશે. હાલમાં સ્થિતિ કાબુમાં છે અને પોલીસ નાઇટ શિફ્ટની વિગતો તપાસી રહી છે, જેથી કોઈ વ્યક્તિ અટવાયેલી નથી તેની ખાતરી કરવામાં આવી રહી છે.