ગુજરાતમાં સોશિયલ મીડિયા પર સેનાનું મનોબળ તોડવાની નાપાક કોશિશ, 4 લોકો સામે ફરિયાદ

અમદાવાદઃ પહલગામમાં થયેલા હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન રઘવાયું બન્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મીમ્સ, મેસેજ વાયરલ થયા હતા. ગુજરાત સરકારે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેક ન્યૂઝ ફેલાવનારા સામે આકરા પગલા લીધા હતા.
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, નાગરિકો કોઈ અફવા કે ફેક મેસેજ ઉપર ધ્યાન ન આપે. સાચી માહિતી જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવશે. સેનાનું મનોબળ તૂટે એવી સોશિયલ મીડિયા નેટવર્ક પર પોસ્ટ લખનાર 4 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગૃહ વિભાગ આવી પોસ્ટ કરનાર પર બાજ નજર રાખી રહ્યું છે.
ગૃહ રાજ્યપ્રધાન દ્વારા વીડિયો પોસ્ટ પણ કરવામાં આવી છે. જેમાં તેમણે કહ્યું છેકે, કાલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને આપણી ફોર્સનું મનોબળ તૂટે તેવી પોસ્ટ કરનાર ચાર લોકો સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ પ્રકારની કોઇપણ હરકત ગુજરાતમાં ચલાવી લેવામાં નહીં આવે. ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા ઉપરાંત કોઇપણ આવી પોસ્ટ ધ્યાન પર આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક પગલા ભરવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો…જાણો … પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ હુમલાને નાકામ બનાવનાર કાઉન્ટર યુએવી સિસ્ટમ અંગે