અમદાવાદના પોશ વિસ્તારમાં 20 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો
અમદાવાદઃ ગુજરાતમાં બોગસ તબીબીનો રાફડો ફાટ્યો હોય તેમ સમયાંતરે ક્યાંકને ક્યાંકથી પકડાય છે. અમદાવાદના પોશ વિસ્તારમાંથી 20 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો હતો. પોલીસે દરોડો પાડી ગેરકાયદે રીતે ડોકટરની ડિગ્રી વગર દવાખાનું ચલાવી લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ક્યાં ચાલતું હતું દવાખાનું
અમદાવાદના હેલ્મેટ સર્કલની બાજુમાં આવેલા ગોપાલ નગરના છાપરામાં મની ક્લિનિક નામનું 20 વર્ષથી દવાખાનું ચાલતું હતું. નકલી ડોક્ટર આર કે ઘાલી આ દવાખાનું ચલાવતો હતો. તેની પાસે કોઈપણ જાતની ડીગ્રી નહોતી કે કોઈપણ જાતનું રજીસ્ટ્રેશન પણ કરાવ્યું નહોતું. હાલ આ નકલી ડોક્ટરની યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે કોઇ પણ પ્રકારની માન્ય ડિગ્રી વગર એલોપેથી દવાથી સારવાર કરતો હતો. આરોપી બોગસ ડોક્ટર છેલ્લા 20 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે તેની પાસે ડોક્ટરની મેડિકલની ડીગ્રી માગતાં તેણે ગલ્લાતલ્લા કરવા માંડયા હતાં. જેથી પોલીસને આ શખ્સ કોઇ મેડિકલ પ્રમાણપત્ર વિના ગેરકાયદે એલોપેથી દવાઓ અને ઇન્જેક્શનો આપીને લોકોની સારવાર કરી દર્દીઓના જીવને જોખમમાં મુકતો હોવાનું સામે આવ્યું હતું.
આપણ વાંચો: બોગસ પેથોલોજી લેબ પર કાર્યવાહી કરવા માટે મહારાષ્ટ્ર સરકાર નવો કાયદો લાવશે
આવા નકલી ડોક્ટરો પોતાની દવાની હાટડીઓ ખોલીને બેસી ગયા છે. કોઈ પણ ડિગ્રી કે કોઈ પણ અન્ય લાયકાત વગર દર્દીઓની સારવાર કરીને મોટો ગુન્હો તો કરતા જ હોય છે પણ, સાથે સાથે દર્દીઓના સ્વાથ્યય સાથે પણ રમત રમતા હોય છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના નાના ગામડાઓ અને ખાસ કરીને આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં આવા ઝોલાછાપ ડોક્ટરો વધુ જોવા મળે છે.