
અમદાવાદઃ ઓપરશન સિંદૂર બાદ ભારતમાં સુરક્ષા એજન્સીએ સઘન તપાસ શરૂ કરી હતી. જેમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. દેશની રાજધાનીમાં સ્થિત નૌકા ભવનમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરનારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન પોલીસની ગુપ્તચર શાખાએ આરોપીને પકડી પાડ્યો છે. આરોપી પાકિસ્તાનમાં એક મહિલા હેન્ડલરને ગુપ્ત માહિતી મોકલી રહ્યો હતો, જે દેશની સુરક્ષા માટે મોટો ખતરો હતો. ધરપકડ કરાયેલ આરોપી અપર ડિવિઝન ક્લાર્ક હતો.
પાકિસ્તાની ગુપ્તચર એજન્સીની મહિલા હેન્ડલર સાથે સંપર્કમાં હતો વિશાલ
આ ધરપકડથી દેશની સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. રાજસ્થાન CID ઇન્ટેલિજન્સે આ મોટી કાર્યવાહી કરી અને બુધવારે સત્તાવાર રહસ્ય અધિનિયમ 1923 હેઠળ વિશાલ યાદવ રહેવાસી પુંસિકા રેવાડી હરિયાણાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. દિલ્હીના નૌકાદળ ભવનમાં ડોકયાર્ડ ડિરેક્ટોરેટમાં કાર્યરત વિશાલ યાદવ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીની મહિલા હેન્ડલર સાથે સતત સંપર્કમાં હતો. આ મહિલા જેનું ઉપનામ પ્રિયા શર્મા હોવાનું કહેવાય છે, તે નૌકાદળ ભવનમાં વ્યૂહાત્મક મહત્વની ગુપ્ત માહિતી મેળવવા માટે વિશાલને પૈસાની લાલચ આપી રહી હતી.
ઓપરેશન સિંદૂર વખતે પણ પાકિસ્તાન માટે જાસૂસી કરી હતી
આ કેસમાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જણાવા મળ્યું કે, જાસૂસ ભારતની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને આપી રહ્યો હતો. જે માહિતી પાકિસ્તાની મહિલાને આપતો હતો તેના બદલામાં તેને ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ એકાઉન્ટમાં અથવા તો સીધા તેના બેંક ખાતામાં રૂપિયા મળતા હતાં. શરૂઆતમાં વિશાલે એવું કહ્યું કે, તે ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી ગયો હોવાથી દેશની સુરક્ષા સાથે ગદ્દારી કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે તેનો ફોન ચેક કરવામાં આવ્યો ત્યાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. વિશાલ યાદવે ઓપરેશન સિંદૂર વખતે પણ ભારતની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને આપી હતી. હવે આ રેકેટમાં બીજુ કોણ કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.