અમદાવાદ

ઉત્તરાયણ પર ગુજરાતમાં ભૂકંપના આંચકા: સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી

અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર ભૂસ્તરિય હલચલ તેજ બની છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ભૂકંપના કુલ ચાર હળવા આંચકા નોંધાતા લોકોમાં ફાળ પડી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક પંથકોમાં ધરા ધ્રુજી ઉઠી હતી. જોકે, રાહતની વાત એ છે કે તમામ આંચકાઓની તીવ્રતા ઓછી હતી, જેના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી. તહેવારના માહોલ વચ્ચે કુદરતી આફતના આ કંપને સ્થાનિકોમાં ચર્ચા જગાવી છે.

આજે 14મી જાન્યુઆરી, મકરસંક્રાંતિના પવિત્ર પર્વની વહેલી સવારે જ્યારે લોકો પતંગબાજીની તૈયારીમાં હતા, ત્યારે જ વહેલી સવારે 02:23 વાગ્યે બે અલગ-અલગ જિલ્લાઓમાં આંચકા અનુભવાયા હતા. સૌરાષ્ટ્રના અમરેલીથી 37 કિમી દૂર 2.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ જમીનથી 11 કિમી ઊંડે હતું. તેની સાથે જ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા નજીક 1.6ની તીવ્રતાનો અતિ હળવો આંચકો અનુભવાયો હતો. રાજ્યના બે જિલ્લા એક સાથે ધણધણી ઉઠતા સિસ્મોલોજી વિભાગ પણ સર્તક બન્યું હતું.

માત્ર આજે જ નહીં, પરંતુ ગઈકાલે મંગળવારના રોજ પણ રાજ્યના બે મહત્વના વિસ્તારોમાં ભૂકંપની અસર જોવા મળી હતી. કચ્છના રણમાં આવેલા ઐતિહાસિક ધોળાવીરા પાસે વહેલી સવારે 03:05 વાગ્યે 2.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પોરબંદરથી 46 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં પણ સવારે 09:58 કલાકે 2.7ની તીવ્રતા સાથે ધરતી ધ્રુજી હતી. આમ, રાજ્યના વિવિધ સિસ્મિક ઝોનમાં સતત હલચલ જોવા મળી રહી છે.

ગુજરાતના જુદા જુદા ભાગોમાં નોંધાયેલા આ આંચકા દર્શાવે છે કે રાજ્યના ફોલ્ટ લાઈન વાળા વિસ્તારોમાં હજુ પણ ભૂસ્તરિય દબાણ યથાવત છે. અમરેલી, વાંસદા, ધોળાવીરા અને પોરબંદર જેવા વિભિન્ન ભૌગોલિક સ્થળોએ આંચકા અનુભવાયા હોવા છતાં તેની તીવ્રતા 2.7 થી નીચે રહી હતી. નિષ્ણાતોના મતે, આ પ્રકારના નાના આંચકાઓથી ગભરાવાની જરૂર નથી, પરંતુ તે જમીનની નીચે થતા ઊર્જાના નિકાલની પ્રક્રિયાનો એક ભાગ હોઈ શકે છે.

આ પણ વાંચો…સૌરાષ્ટ્રમાં 16 કલાકમાં ભૂકંપના 21 આંચકાથી ભારે ફફડાટ, કડકડતી ઠંડીમાં ઘણાં લોકો બહાર પડી રહ્યાં

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button