કોડીનાર-સુત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઉભેલા લોકોને ડમ્પરે ઉડાડ્યા, બેના મોત, સાત ઘાયલ

અમદાવાદ : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-કોડીનાર હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક રાખેજ પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ દરમિયાન આ અકસ્માતને પગલે ઘટના સ્થળે ગ્રામ લોકોનું ટોળું એકઠું થયું હતું. ત્યારે ઓવર સ્પીડમાં વેરાવળથી કોડીનાર તરફ જઈ રહેલા ડમ્પરે રોડની સાઈડમાં અકસ્માત જોવા ઊભેલા લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે સાતથી વધુ લોકો ઘાયલ થયા છે.
એક જ સ્થળ પર એક પછી એક બે અકસ્માત
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગતરાત્રિના લગભગ 9:30 વાગ્યે વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન આ અકસ્માતને જોવા માટે ઊભેલા લોકોને પૂરપાટ આવી રહેલા ડમ્પરે કચડી નાખ્યા હતા. જે અકસ્માતના સીસીટીવી દૃશ્યો પણ સામે આવ્યાં છે. આમ એક જ સ્થળ પર એક પછી એક બે અકસ્માત થયા હતા.
આ પણ વાંચો: અમરેલીના ધારીમા લક્ઝરી પલટતા અકસ્માત સર્જાયો, 18 લોકો ઘાયલ
ડમ્પરે પાંચ લોકોને કચડ્યા
આ ઘટના બનતા અફરાતફરી સર્જાઇ હતી. આ અકસ્માતમાં સુભાષ પરમાર અને બાલુભાઈ કલોતરાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે સાતથી વધુ લોકોને સારવાર અર્થે કોડીનારની રાણાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે કણઝોતર ગામના સ્થાનિકએ જણાવ્યું હતું કે, અડધો કલાક પહેલાં જ એક અકસ્માત બન્યો હતો. જેમાં એક કાર અને બાઇક અથડાયાં હતાં. આ અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા હતા.