અમદાવાદમાં જાહેર રસ્તા પર દારૂના નશામાં ‘ડર્ટી ડાન્સ’: યુવતી અને યુવકનો નોટો વરસાવતો વીડિયો વાયરલ…

અમદાવાદઃ અમદાવાદ જેવા શહેરમાં જ્યાં કાયદો અને વ્યવસ્થા પર ગર્વ કરવામાં આવે છે, ત્યાં જાહેર રસ્તા પર ડાન્સ પાર્ટી અને અશ્લીલ હરકતોનો વીડિયો સામે આવ્યો છે, જે પોલીસને ખુલ્લો પડકાર આપતો લાગે છે. સરદારનગરના કુબેરનગર વિસ્તારમાં થયેલી આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
જેમાં યુવકો અને એક યુવતીની બીભત્સ ડાન્સ અને નોટોનો વરસાદ જોવા મળે છે. આ વીડિયો શહેરના કાયદાની મર્યાદા પર સવાલો ઊભા કરે છે, જેમ કે મુંબઈના બારની જેમ અમદાવાદના રસ્તા પર આવું થઈ શકે છે?
આ વીડિયોમાં કેટલાક યુવકો જાહેર રસ્તા પર ડાન્સ કરતા જોવા મળે છે, જેમાં એક યુવતી પણ અશ્લીલ ડાન્સ કરી રહી છે. મુકેશ મકવાણા નામના વ્યક્તિએ તેના જન્મદિનની ઉજવણી માટે આ પાર્ટીનું આયોજન કર્યું હોવાની પ્રાથમિક માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે, જેમાં તે ગોલ્ડના દાગીના પહેરીને ડાન્સ કરતા દેખાય છે.
ડાન્સ દરમિયાન મુકેશ અને યુવતી વચ્ચે ચેનચાળા અને અયોગ્ય હરકતો થતી જોવા મળે છે, અને બીજા એક વ્યક્તિએ તેમના પર ચલણી નોટોનો વરસાદ કર્યો છે. આ વીડિયો મુકેશે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
સરદારનગર પોલીસે આ વીડિયોની ગંભીર નોંધ લઈને તાત્કાલિક તપાસ શરૂ કરી છે. વીડિયોમાં દેખાતા તમામ શખસમાં ખાસ કરીને મુકેશ મકવાણા અને ડાન્સ કરતી યુવતીની શોધખોળ ચાલી રહી છે. જાહેરસ્થળ પર કાયદાનું ઉલ્લંઘન અને અશ્લીલતા ફેલાવવાનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોમાં ગુસ્સો ફેલાયો છે, જેમાં ઘણા યૂઝર્સે કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. કેટલાકએ તેને યુવાનોમાં અનૈતિક વર્તનનું પ્રતીક માનીને ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે અન્યોએ પોલીસને ઝડપી કાર્યવાહીની માંગ કરી છે.