નવરાત્રીમાં ફીટ રહેવા ને ફ્રેશ દેખાવા IV Drip લેવાનો અભરખો તમને નથી ને?

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિનો અલગ જ નશો હોય છે. મુંબઈમાં પણ ઘણી હાઈ પ્રોફાઈલ નવરાત્રિઓ અરેન્જ થઈ રહી છે અને ગુજરાતભરમાં નવરાત્રિ હવે કમર્શિયલ ઈવેન્ટ બની ગઈ છે. એક તરફ હજારોનો ખર્ચ એક એક દિવસ માટે યુવાનો કરે છે ત્યારે બીજી બાજુ શરીર ઘટાડવા, સુંદર દેખાવા, ફ્રેશ કે યુવાન દેખાવા માટે નવા નવા અખતરા કરે છે, જે તમને ભારે પણ પડી શકે છે.
યુવાનોમાં છે IV Dripનો ક્રેઝ
નવરાત્રિમાં યંગ દેખાવા માટે યુવાનો વેલનેસ ક્લિનિકમાં જઈ આઈ વી ડ્રોપ લઈ રહ્યા છે, પરંતુ ડોક્ટરોએ તેમને ચેતવ્યા છે. ડોક્ટરોનું કહેવાનું છે કે આઈ વી ડ્રોપ ગમે તે ગમે ત્યારે લઈ શકતુ નથી. આ માટે ડોક્ટરોની સલાહ બાદ અમુક શારીરિક સ્થિતિમાં જ આઈ વી ડ્રોપ આપવામાં આવે છે. આ એક મેડિકલ ટ્રીટમેન્ટ જ છે અને તે એમબીબીએસ ડોક્ટરની હાજરીમાં યોગ્ય સાધનસામગ્રી અને હાઈજીનનો ખ્યાલ રાખી આપવામાં આવે તે અનિવાર્ય છે.
આ સાથે ખોટી રીતે જો આઈ વી ડ્રોપ આપવામાં આવે તો ફાયદા કરતા નુકસાન વધારે છે. જીમમાં કે ફીટનેસ સેન્ટરમાં આઈ વી ડ્રોપ રેકમન્ડ કરવામાં આવે છે અને એક લાઈફસ્ટાઈલ ટ્રેન્ડ તરીકે યુવાનો તેની પાછળ દોડી રહ્યા છે. પણ જો ડોક્ટરે આઈવી ડ્રોપ રેકમન્ડ ન કર્યા હોય ને તમારા બોડીનું યોગ્ય ચેક અપ ન થયું હોય તો ડ્રોપ લેવા હીતાવહ નથી.
આ ડ્રોપ આપવા માટે જે કોઈ સેન્ટર ચલાવતું હોય તેમા આઈ વી ડ્રીપની ટ્રિટમેન્ટ માટે સર્ટિફિકેશન હોવું જરૂરી છે. આ સર્ટિફિકેટ વિના આઈ વી ડ્રોપ આપી શકાય નહીં, પરંતુ અમુક નિષ્ણાતોએ એવો દાવો કર્યો છે કે અમદાવાદમાં આ પ્રકારે સર્ટિફાઈડ થયેલા વેલનેસ સેન્ટર ઓછા છે.
થોડા સમય પહેલા શેફાલી જરિવાલાના મોત સમયે એવી વાત પણ બહાર આવી હતી કે મૃત્યુના એક દિવસ પહેલા તે આવી ડ્રોપ લેવા ગઈ હતી અને તેની મોતના કારણોમાંનું એક એ પણ હતું. આથી ડોકટરોએ નવરાત્રી પહેલા આ પ્રકારના ગતકડાં કરતા યુવાનોને ચેતવ્યા છે.
આ પણ વાંચો…હાઈફાઈ નવરાત્રિ માટે અમદાવાદ થઈ રહ્યું છે તૈયાર, તમે ખિસ્સા ભરીને રાખજો