અમદાવાદ

ધોળકા-બગોદરા હાઈવે ફરી રક્તરંજિત, અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત

અમદાવાદઃ ધોળકા-બગોદરા હાઈવે ફરી રક્તરંજિત થયો હતો. આજે સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્ની અને તેમના વ્હાલસોયા પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જેના કારણે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

ધોળકા-બગોદરા હાઈવે પરથી પસાર થઈ રહેલી એક આઈસર ટ્રકના ચાલકે આગળ જઈ રહેલા કોઈ અજાણ્યા વાહનની પાછળ ટ્રક ધડાકાભેર ભટકાડી દીધી હતી. અકસ્માત સમયે ટ્રકની ગતિ એટલી પ્રચંડ હતી કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો. ટ્રકમાં સવાર પરિવાર કંઈ સમજે તે પહેલા જ કાળનો પંજો તેમના પર ફરી વળ્યો હતો. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આઈસર ચાલકને સારવાર માટે અમદાવાદ ખસેડાયો

આ દુર્ઘટનામાં ટ્રકમાં સવાર પતિ, પત્ની અને તેમના પુત્રના ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108ની ટીમે ત્રણેય સભ્યોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત આઈસર ચાલકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે અકસ્માત સર્જનારા ચાલકની શોધખોળ શરૂ કરી

અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ પોલીસે ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનને હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ માટે પોલીસે હાઈવે પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની તજવીજ હાથ ધરી હતી.

વાસણા ચંદ્રનગર BRTS બસ ટ્રેકમાં અકસ્માત

આ ઉપરાંત અમદાવાદના વાસણા ચંદ્રનગર BRTS બસ ટ્રેકમાં ગૌવંશ લઈને જતી કારનો અકસ્માત થયો હતો. BRTS ટ્રેકમાં બેફામ સ્પીડે ગૌવંશ ભરેલી ગાડી લઈને જતા કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. જેમાં BRTS ટ્રેકના દરવાજા, લાઈટના પોલ તેમજ ડિવાઈડર સહિતની જગ્યાઓને નુકસાન થયું હતુ. અકસ્માત બાદ કાર ઊભી રહી ગઈ હતી અને એરબેગ ખુલી ગઈ હતી જેમાં કારમાંથી ત્રણ ઈસમો ભાગી ગયા હતા જ્યારે એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો. લોકોએ ગાડીમાં જોતા ગૌવંશ હતું, જેથી તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

આપણ વાંચો:  કેન્દ્રમાં જલશક્તિ મંત્રાલય, પણ નવસારીમાં જળ સંકટઃ અમિત ચાવડાનો પાટીલ પર પ્રહાર

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button