ધોલેરા એક્સપ્રેસવે પર થયો જીવલેણ અકસ્માત; કાર બેરિકેડ સાથે અથડાતાં 3ના મોત, બે ઘાયલ

અમદાવાદઃ અમદાવાદના ધોળકા તાલુકા નજીક ધોલેરા એક્સપ્રેસવે પર આજે સવારે ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. વેજલકા ગામ નજીક પૂરપાટ ઝડપે દોડતી કાર બંધ રોડ પર મૂકાયેલા સિમેન્ટના બેરિકેડ સાથે જોરદાર અથડાઈ હતી. આ ટક્કર એટલી વિકરાળ હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેમાં એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું છે.
અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી
અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ થતાં જ ફેદરા અને પીપળીથી 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી ગઈ હતી. કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. અકસ્માતને કારણે એક્સપ્રેસ વેના એક ભાગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
આપણ વાચો: મધ્યપ્રદેશમાં ભયંકર માર્ગ અકસ્માત: ઓટો અને ટ્રક વચ્ચે અથડામણમાં 7ના મોત
ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં
આ સમગ્ર અકસ્માત મામલે કોઠ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતાં. પોલીસે અકસ્માત કયા સંજોગોમાં થયો અને બેરિકેડ સામે ચેતવણી ચિહ્નો હતા કે નહીં, તે અંગે તપાસ શરૂ કરી દીધી છે.
ધોલેરા એક્સપ્રેસવે પર અકસ્માત બાદ લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે રસ્તા પર પૂરતી સાવચેતી ન હોવાથી વારંવાર આવા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ પહેલા પણ આ માર્ગ પર અકસ્માતની ઘટનાઓ બની છે, જેના કારણે આ સવાલો થઈ રહ્યાં છે.



