સાબરમતી નદીમાં જળસ્તર વધ્યું! ખેડા-માતરના 20 થી વધુ ગામોને એલર્ટ કરાયા...
અમદાવાદ

સાબરમતી નદીમાં જળસ્તર વધ્યું! ખેડા-માતરના 20 થી વધુ ગામોને એલર્ટ કરાયા…

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ મહેર કરતા નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધતા જળસ્તર વધ્યું છે. સાબરમતી નદીના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા, ખેડા અને માતર તાલુકાના અનેક ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

નદીની સપાટીમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ખેડા તાલુકાના ચલીન્દ્રા, ચિત્રાસર, ધરોડા, કઠવાડા, કલોલી, નવાગામ, નાયકા, રઢુ, રસિકપુરા, વારસંગ, વાસણા બુઝર્ગ, સમાદરા અને હરીયાળા જેવા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સાબરમતી નદીના કાંઠાના ગામોને એલર્ટ રહેવા આદેશ
આ સાથે સાથે માતર તાલુકાના ગામોને પણ સાવચેત રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને માતર, અસામલી, પાલ્લા, બરોડા, પીપરીયા, મહેલજ, આંત્રોલી, વણસર અને કોશિયલ ગામોને પણ તંત્ર દ્વારા એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યો છે.

આ ગામો સાબરમતી નદીના કાંઠા નજીક આવેલા હોવાથી પૂરનું જોખમ વધુ છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે.

માલસામાન અને પશુધનને સુરક્ષિત જગ્યાએ ખસેડવા સૂચના
સાબરમતી નદીમાં પાણીની આવક વધતા જ તંત્રએ તાત્કાલિક પગલાં ભર્યા છે. લોકોને નદી કિનારે ન જવા અને જરૂર જણાય તો તાત્કાલિક સલામત સ્થળે જતા રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

આ વિસ્તારોના લોકોએ માલસામાન અને પશુધનને પણ સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે કહેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે ટીમોને પણ તૈનાત રાખવામાં આવી છે.

આ પણ વાંચો…ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં આવ્યું પૂર, રિવરફ્રન્ટ બંધ કરાયો

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button