અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા: DEOએ શાળાને નોટિસ ફટકારી, ત્રણ દિવસમાં આપવો પડશે ખુલાસો

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં હલચલ મચાવી છે.
આ ગંભીર ઘટનાને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ સ્કૂલને નોટિસ ફટકારીને ત્રણ દિવસમાં ખુલાસો માગ્યો છે. આ ઘટનાએ શાળાની સલામતી અને વહીવટી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આપણ વાંચો: પૂર્વ કચ્છના ભચાઉમાં હોટેલના માલિકની છરીના ઘા ઝીંકીને કરી હત્યા, એક પકડાયો
DEOની નોટિસ અને આક્ષેપો
DEOએ સેવન્થ ડે સ્કૂલને ICSE બોર્ડની માન્યતા માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) રદ કરવાની ચેતવણી આપી છે.
સ્કૂલે આ ઘટના અંગે શિક્ષણ વિભાગને કોઈ માહિતી આપી નથી, જેને DEOએ બેદરકારી ગણાવી છે. ઉપરાંત, સ્કૂલે ઘટના પછી પણ કોઈ અહેવાલ રજૂ ન કર્યો, જેના કારણે તેની માન્યતા રદ ન કરવા અંગે સ્પષ્ટ જવાબ માગવામાં આવ્યો છે.
DEOની તપાસમાં જાણવા મળ્યું છે કે, ઘટના બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે કોઈ પગલા લેવાયા ન હતા. વિદ્યાર્થી લોહીથી લથબથ હાલતમાં શાળાના પરિસરમાં પડ્યો હતો, પરંતુ સ્કૂલ વહીવટે એમ્બ્યુલન્સ બોલાવી ન હતી કે ન તો તેને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો.
આ ઉપરાંત, વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ પણ ઝઘડાની ઘટનાઓ બની હોવા છતાં, સ્કૂલે આ અંગે શિક્ષણ વિભાગને જાણકારી આપી ન હતી, જે ગંભીર બેદરકારી દર્શાવે છે.
આપણ વાંચો: મહુવામાં પત્નીના ભાગી જવાના વહેમમાં જમાઈએ સાસુ-સસરા પર છરીના ઘા ઝીંક્યા, બંનેના મોત…
ક્રાઈમ બ્રાન્ચની તપાસ
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં પણ સ્કૂલના આચાર્ય અને સ્ટાફની નિષ્ક્રિયતા સામે આવી છે. આ ઘટનામાં સામેલ સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અને તપાસ હજુ ચાલુ છે.
DEOએ સ્કૂલને ત્રણ દિવસની અંદર યોગ્ય ખુલાસો આપવા આદેશ આપ્યો છે, જેમાં સલામતી વ્યવસ્થા, ઘટનાની માહિતી ન આપવા અને વિદ્યાર્થીની સારવારમાં બેદરકારી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. જો ખુલાસો સંતોષકારક નહીં હોય, તો સ્કૂલની માન્યતા રદ થઈ શકે છે.