અમદાવાદઆપણું ગુજરાત

ચેતી જજોઃ અમદાવાદની હૉસ્પિટલો ઉભરાઈ રહી છે ડેંગ્યુના દરદીથી

અમદાવાદઃ એક તરફ અમદાવાદમાં વરસાદ થતો ન હોવાથી ગરમી અને બફારો વધ્યો છે તો બીજી બાજુ ક્યારેક વાદળછાયું વાતાવરણ રહે છે. આ રીતે ડબલ ઋતુને કારણ બીમારીએ મોઢું ખોલ્યું છે અને હૉસ્પિટલો દરદીથી ઊભરાઈ રહી છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં અમદાવાદ જિલ્લા અને અન્ય જિલ્લાઓના દરદીઓ પણ આવતા હોવાથી અહીં દરદીઓ વધારે પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે.

શહેરની સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં 83 સહિત છેલ્લા એક મહિનામાં જ ડેન્ગ્યુના 325 કેસ નોંધાઇ ચૂક્યા છે.

એક મહિનામાં ડેન્ગ્યુના 325થી વધુ કેસ

સૂત્રો પાસેથી મળતી મહિતી મુજબ અમદાવાદ શહેરની સોલા સિવિલમાં ડેન્ગ્યુના 15થી 21મી જુલાઇ સુધીમાં 29 કેસ, 22થી 28મી જુલાઇ સુધીના 125 કેસ, 29મી જુલાઇથી 4થી ઓગસ્ટના 88 જ્યારે 5થી 11મી ઓગસ્ટના 83 કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમય દરમિયાનમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 557 કેસ હતા.

બીજી તરફ એક મહિનાના આ સમય દરમિયાનમાં મેલેરિયાના 66 કેસ નોંધાયા છે. જેમાં ગત સપ્તાહમાં 23 કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ ચિકનગુનિયાના કુલ ત્રણ કેસ નોંધાયેલા છે. આગામી દિવસોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયાના કેસમાં હજુ પણ વધારો થવાની સંભાવના છે.

આ પણ વાંચો: Good News: ભારતમાં ડેન્ગ્યુની સ્વદેશી વેક્સિન બનાવાશે, ટ્રાયલ શરુ

વાયરલ ઈન્ફેક્શનના કેસમાં પણ વધારો

શહેરમાં વાયરલ ઈન્ફેક્શન, શરદી- ઉધરસના કેસ પણ સતત વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના 1867 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ રોજના વાયરલ ઈન્ફેક્શનના 270થી વધુ દર્દી આવી રહ્યા છે. છેલ્લા એક મહિનાના આ સમયગાળામાં વાયરલ ઈન્ફેક્શનના 5537 કેસ નોંધાઇ ચૂક્યા છે. આ સિવાય એક સપ્તાહમાં ડાયેરિયાના 41, હિપેટાઈટિસના સાત, ટાઇફોઇડના છ કેસ નોંધાયેલા છે.

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગના કેસની સંખ્યામા સતત વધારો થઈ રહયો છે. જેના પગલે આરોગ્ય વિભાગ તરફથી સરકારી, ખાનગી મિલકત ઉપરાંત બાંધકામ સાઈટ ઉપર મચ્છરના ઉપદ્રવને લઈ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઘરની આજુબાજુમાં પાણીનો ભરાવો હોય તો તેનો નિકાલ કરવો અને ગંદકી ન થવા દેવી તેવાં સૂચનો પણ આપવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button