સંસદ બાદ હવે વિધાનસભામાં પણ પગાર વધારાની માગ; જાણો જવાબમાં શું કહ્યું સરકારે?

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું સત્ર અંતિમ ચરણમાં છે. આ સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ધારાસભ્યોના પગાર વધારા અને ભૂતપૂર્વ ધારાસભ્યોના પેન્શન અંગે માગ કરી હતી. તેમની માગ મુદ્દે નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, સરકાર ધારાસભ્યોના પગાર વધારા અંગે ટૂંક સમયમાં જાહેરાત કરશે.
વિપક્ષે ધારાસભ્યએ કરી પગાર વધારાની માંગણી
વિધાનસભાના સત્ર દરમિયાન અંદાજપત્ર પર વિભાગવાર માંગણીઓની ચર્ચા દરમિયાન વિપક્ષે ધારાસભ્યોનો પગાર વધારો કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત, ભૂતપૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની પણ માંગણી કરવામાં આવી હતી. નાણાં પ્રધાન કનુ દેસાઈએ વિધાનસભામાં જણાવ્યું કે, ધારાસભ્યોને મળતી ગ્રાન્ટ 1.5 કરોડથી વધારીને 5 કરોડ કરવા પર વિચારણા ચાલી રહી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે આ મુદ્દે ચર્ચા થઈ છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
આપણ વાંચો: ગુજરાત વિધાનસભાનું આવતીકાલથી શરુ થશે બજેટ સત્ર, ગુરુવારે બજેટ રજૂ કરાશે
ચૈતર વસાવાએ ઉઠાવ્યો મુદ્દો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ધારાસભ્યોના પગારમાં વધારો કરવાની માગ કરી હતી. તેમણે ભૂતપૂર્વ ધારાસભ્યો માટે પેન્શન પણ શરૂ કરવાની માંગણી કરી હતી. તેમણે વિધાનસભામાં કહ્યું કે, ઘણા ભૂતપૂર્વ ધારાસભ્યોની આર્થિક સ્થિતિ સારી નથી. તેમને પેન્શન મળવું જોઈએ.
તુષાર ચૌધરીએ ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવા કરી માંગ
ચૈતર વસાવાએ ધારાસભ્યોને મળતા ભથ્થા અને પગાર અંગે પણ ગૃહમાં વાત કરી હતી. તે ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ પણ ધારાસભ્યોની ગ્રાન્ટ 1.5 કરોડથી વધારીને 5 કરોડ કરવાની વિનંતી કરી હતી. નાણાપ્રધાન કનુ દેસાઈએ જવાબમાં કહ્યું હતું કે, સરકાર ધારાસભ્યોના પગારમાં વધારો કરવા સંમત છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.