દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો કીમ-અંકલેશ્વર રોડ ખુલ્લો મુકાશે, સાડા ત્રણ કલાકમાં સુરતથી અમદાવાદ

અંકલેશ્વરઃ અમદાવાદથી મુંબઈ સુધી સડસડાટ વાહન દોડાવી શાકાય તે માટે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા-વિરાર સેક્શનના પેકેજ-5 હેઠળ કીમથી અંકલેશ્વરને જોડતા માર્ગની માત્ર એક જ બાજુ 31 ડિસેમ્બર સુધીમાં વાહનવ્યવહાર માટે ખુલ્લી મુકાય તેવી શક્યતા છે. બીજી બાજુના માર્ગ પર હજુ પણ કેટલીક જગ્યાએ નિર્માણ કાર્ય ચાલુ હોવાથી આ નિર્ણય લેવાઈ શકે છે.
પેકેજ-5 એ એક્સપ્રેસવેના વડોદરા-મુંબઈ પટ્ટાનો એક ભાગ છે અને તે વડોદરા-સુરત કોરિડોરની મહત્વની ખૂટતી કડી સમાન છે. ભરૂચની આસપાસ ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે શરૂઆતમાં માત્ર એક જ તરફનો રસ્તો કાર્યરત કરવામાં આવશે. હાલમાં અમદાવાદથી નીકળ્યા બાદ વાહનચાલકો ફક્ત પુન ગામ સુધી જ નવા હાઈવેનો ઉપયોગ કરી શકે છે. પુન ગામથી ફરી જૂના હાઈવેનો ઉપયોગ કરવો પડે છે. પુન ગામથી કીમ સુધીનો હાઈવે ખુલ્લો મુકવામાં આવતા લોકો આશરે ચાર કલાકમાં એના ગામ ઈન્ટરચેન્જ સુધી પહોંચી શકશે.
કીમથી ભરૂચ વચ્ચે એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મૂકવામાં આવે તો અમદાવાદથી સુરત માત્ર ત્રણથી ચાર કલાકમાં પહોંચી શકાશે. કીમથી ભરૂચ વચ્ચે એક્સપ્રેસ હાઈવેની બાકીની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે, રસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. કેટલીક નાની મોટી કામગીરી બાકી છે. આ બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવા યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. આવતીકાલ સુધીમાં તમામ કામગીરી પૂર્ણ થઈ જશે. જે બાદ કીમથી ભરૂચ અને એના ગામથી ખારેલ સુધીનો એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મુકાશે.
સુરત અને કીમ તરફથી આવતા વાહનો વડોદરા અને અમદાવાદ તરફ જવા માટે એક્સપ્રેસવેના આ નવા તૈયાર થયેલા વિભાગનો ઉપયોગ કરી શકશે. આ ડાયવર્ઝનને કારણે ભરૂચ અને અંકલેશ્વરમાં ટ્રાફિક જામની સમસ્યામાં મોટો ઘટાડો થવાની અપેક્ષા છે. છેલ્લા થોડા મહિનાઓથી અહીં ટ્રાફિકના કારણે લોકો કલાકો સુધી ફસાયેલા રહે છે. પરંતુ હવે અમદાવાદ જવા માટે થતો ટ્રાફિક જામ ભૂતકાળ બની જશે.
અમદાવાદથી સુરત જવા માટે અને સુરતથી અમદાવાદ આવવા માટે સૌથી મોટો પ્રશ્ન ટ્રાફિકની સમસ્યાને લઈ છે. સુરતના વાહનચાલકો અમદાવાદ તરફ જવા માટે કીમ અથવા પલસાણાના એના ગામથી એક્સપ્રેસ હાઈવે પર એન્ટ્રી મેળવી શકશે. તેવી જ રીતે અમદાવાદ-વડોદરા તરફથી આવતી વખતે કીમ અથવા એના ગામથી બહાર નીકળી શકાશે.
આ પણ વાંચો…મણિપુરમાં સરકારની જાણ બહાર જ બની ગયો છ જિલ્લાઓને જોડતો ‘રિંગ રોડ’!



