
અમદાવાદ: ગુજરાતને દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈ સાથે જોડતા મહત્વકાંક્ષી ‘નેશનલ એક્સપ્રેસવે 4’ (NE4) ના નિર્માણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 1350 કિલોમીટર લાંબો આ કોરિડોર માત્ર રસ્તાનું નિર્માણ નથી, પરંતુ પશ્ચિમ ભારત અને ઉત્તર ભારત વચ્ચેના આર્થિક સંબંધોને મજબૂત બનાવનારો સેતુ છે. આ પ્રોજેક્ટથી ગુજરાતના વેપાર-ઉદ્યોગને મોટો વેગ મળવાની આશા છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આ હાઈવેના કામકાજની પ્રગતિ અંગે મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાએ નવી દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે 2027 સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. આ રૂટ શરૂ થતાની સાથે જ અત્યારે જે મુસાફરીમાં 33 કલાક જેટલો સમય લાગે છે, તે ઘટીને માત્ર 12 કલાક થઈ જશે. કેન્દ્ર સરકારે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ વર્ષના બજેટમાં ૩ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જેનો મોટો હિસ્સો આવા નેશનલ નેટવર્કના વિસ્તરણમાં વાપરવામાં આવશે. આ એક્સપ્રેસવેથી હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશની સાથે ગુજરાતને સૌથી વધુ ફાયદો થવાની અપેક્ષા છે.
જોકે, આ ભવ્ય પ્રોજેક્ટ તેની અસલી સમયમર્યાદા ચૂકી ગયો છે. અગાઉ આ એક્સપ્રેસવે માર્ચ 2024 સુધીમાં પૂર્ણ થવાનો હતો, પરંતુ જમીન સંપાદન અને અન્ય ટેકનિકલ કારણોસર તેમાં વિલંબ થયો છે. અગાઉ નીતિન ગડકરીએ પણ સૂચવ્યું હતું કે આ કોરિડોર 2027-28 સુધીમાં કાર્યરત થઈ શકે છે. અત્યારે સારી બાબત એ છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના અમુક સેક્શન પહેલેથી જ વાહનવ્યવહાર માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. ટૂંક સમયમાં ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર વચ્ચેનો મહત્વનો પેચ ખુલે તેવી શક્યતા છે, જેનાથી આંતરરાજ્ય અવરજવર વધુ ઝડપી બનશે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ્સ ગુજરાતના વિકાસમાં ગેમ-ચેન્જર સાબિત થશે. રોડ માર્ગે માલસામાનની હેરફેર ઝડપી થવાથી લોજિસ્ટિક્સ ખર્ચમાં મોટો ઘટાડો થશે. ગુજરાતના ખેડૂતો અને નાના ઉદ્યોગકારો પોતાના ઉત્પાદનો દિલ્હીના બજારો સુધી માત્ર થોડા કલાકોમાં પહોંચાડી શકશે. આ એક્સપ્રેસવે માત્ર મુસાફરીનો સમય જ નથી ઘટાડતો, પરંતુ રસ્તામાં આવતા પછાત વિસ્તારોના આર્થિક એકીકરણમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. સરકારનું ધ્યાન હવે બાકી રહેલા કામને ઝડપથી પતાવી 2027 સુધીમાં આખા રૂટને જનતા માટે સમર્પિત કરવા પર છે.
આપણ વાંચો: રાજકોટમાં લોન અપાવવાના બહાને સાઢુએ કરાવી લીધો જમીનનો વેચાણ દસ્તાવેજ! પરત માંગતા 1 કરોડ માંગ્યા



