
અમદાવાદઃ વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બુધવારે તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત નીપજ્યાં છે. બુધવાર મોડી રાતથી એસડીઆરએફ, એનડીઆરએફ અને ફાયરબ્રિગેડ સહિત 10થી વધુ એજન્સીની ટીમ બચાવ અને રાહતકાર્યમાં જોતરાયેલી હતી. આજે આ દુર્ઘટના સંદર્ભે કુલ 3 મૃતદેહ મળ્યાં હતાં.
આ ઘટનામાં તપાસ માટે માર્ગ અને મકાન વિભાગના 6 સભ્યોની કમિટી બનાવાઈ હતી. આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે. 30 દિવસમાં તપાસ રિપોર્ટ તૈયાર કરીને સોંપવામાં આવશે.
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગુરુવારે સવારથી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની ટીમ ઉચ્ચ સ્તરીય તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી હતી. માર્ગ અને મકાન વિભાગની આ તપાસ સમિતિમાં મુખ્ય ઇજનેર સી. પટેલ અને એન. કે. પટેલ ઉપરાંત અધિક્ષક ઇજનેર કે. એમ. પટેલ, એમ. બી. દેસાઈ ઉપરાંત એન. વી. રાઠવા પણ જોડાયા હતી.
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં આવી હતી. ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં દુર્ઘટનાની જવાબદારી નક્કી કરવા સીએમએ અધિકારીઓને સૂચના આપી હતી.
વડોદરા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ બ્રિજની દુર્ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ કરી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન માર્ગ અને મકાન વિભાગમાં ફરજ સંભાળનાર જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે ઊંડાણપૂર્વક તપાસ કરી માનવવધનો ગુનો દાખલ કરવા માંગણી કરી હતી. તેમણે કહ્યું કે, આ મુદ્દે આંદોલનની સાથે સાથે હાઇ કોર્ટમાં પણ દાદ માંગવામાં આવશે.