અમદાવાદમાં કર્પોરેશનના ઢોર ડબામાં 10 ગાયના શંકાસ્પદ મોતની પોલીસ સ્ટેશનમાં અરજી

અમદાવાદ: થોળ ગામની રાધા કૃષ્ણ પાંજરાપોળમાં 27 ગાયોના મોતથી સમગ્ર રાજ્યમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. જેને લઈ કડક પગલા લેવાની માગ પણ ઉઠી હતી. આ વચ્ચે શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ડબાથી 10 ગાય અને વાછરડાના મોત થાય આક્ષેપ ફરી એક વખત આક્રોશનો માહોલ ફેલાવ્યો છે. આ ઘટનામાં કોર્પોરેશનની બેદરકારીનો આરોપ લગાવીને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાઈ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મંગળવારે સવારે 9 વાગ્યે દાણીલીમડા ઢોર ડબામાં 10 ગાયો અને વાછરડા બીમારીના કારણે મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું, જેના પગલે માલધારી સમાજના આગેવાનો રજૂઆત માટે કોર્પોરેશન પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે 10 પૈકી એક આખલાના પોસ્ટમોર્ટમમાં હોજરીમાંથી 12 કિલો પ્લાસ્ટિક મળી આવ્યું હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જે પશુઓના આરોગ્ય પર ગંભીર બેદરકારી દર્શાવે છે. જે બાદ માલધારી સમાજે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પોલીસને જાણ કરાતા તેમણે ઘટનાસ્થળે પહોંચી મૃત પશુઓનું નિરીક્ષણ કર્યું, અને આ મામલે તપાસ શરૂ થઈ છે.
કોર્પોરેશનના સૂત્રો પ્રમાણે દાણીલીમડા ઢોર ડબામાં હાલ 950 ગાયો, વાછરડા અને આખલાઓ રાખવામાં આવ્યા છે, અને મોતનું કારણ કુદરતી છે, જેમાં એક ગાય ન્યુમોનિયાથી પીડાતી હતી. એવો દાવો કરવામાં આવ્યો છે કે મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ પશુપાલકોની હાજરીમાં કરાયું, અને બેદરકારીના આક્ષેપોમાં કોઈ સત્ય નથી. જોકે, પશુપાલકોએ સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કર્યા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું.
આ પહેલાં પણ, પાંચ વર્ષ અગાઉ દાણીલીમડા ઢોર ડબામાંથી 90 ગાયો એકાએક ગાયબ થઈ હતી, અને રજૂઆત બાદ તે પરત આવી હતી, જે કોર્પોરેશનની વ્યવસ્થા પર સવાલ ઉભા કરે છે. માલધારી સમાજે આ વખતે પણ ઢોર ડબાની બેદરકારી અને અયોગ્ય વ્યવસ્થાઓનો આરોપ લગાવ્યો છે, જેના કારણે પશુઓના આરોગ્ય પર ગંભીર અસર થઈ.
આ ઘટનાએ શહેરી વિસ્તારોમાં પશુઓની સુરક્ષા અને ઢોર ડબાઓના સંચાલનની ગુણવત્તા પર સવાલો ઉભા કર્યા છે. પ્લાસ્ટિકના વપરાશથી થતા નુકસાન અને બીમારીઓના સમયસર નિદાનનો અભાવ આવી ઘટનાઓનું મુખ્ય કારણ બની રહ્યો છે. માલધારી સમાજે કોર્પોરેશન પાસે સખત પગલા અને સુધારણાની માંગ કરી છે, જ્યારે પોલીસ તપાસ આગળ વધી રહી છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે વધુ જવાબદારી અને કડક વ્યવસ્થાની જરૂર છે.
આ પણ વાંચો…અમદાવાદના શકરી તળાવમાં નાવડી ઉંધી વળતા 3 યુવાન ડૂબ્યા: બેના મૃતદેહ બહાર કઢાયા