કોર્ટે પોક્સો એક્ટના આરોપીને 3 વર્ષની ત્રણવાર અને 2 વર્ષની એકવાર સજા ફટકારી

અમદાવાદ: અમદાવાદના દાણીલીમડામાં 17 વર્ષની સગીરા સાથે છેડતીની ઘટના બની હતી. આ કેસમાં દાણીલીમડા પોલીસ દ્વારા 50 વર્ષના આધેડની ધરપકડ કરવામાં આવી હતી. જેથી આરોપીને પોક્સો જજ અસ્મિકાબેન ભટ્ટે ગુનેગાર માનીને સજા ફટકરી છે. મહત્વની વાત એ છે કે, આરોપીને એકબે નહીં પરંતુ કુલ ચાર વખત સજા ફટકારવામાં આવી છે. પોક્સો કોર્ટે આરોપીને ત્રણ વર્ષની ત્રણવાર અને બે વર્ષની એકવાર સજા ફટકારી છે. એટલે કે આરોપીને કુલ 11 વર્ષ માટે જેલની સજા ભોગવવી પડશે. આ ચારેય સજા આરોપીને વારા-ફરતી ભોગવવાની છે.
આરોપીને કુલ 11 વર્ષ માટે જેલની સજા ભોગવવી પડ
ઘટનાની વાત કરવામાં આવે તો આરોપી કિશોરીને લગ્ન કરવા માટે ધમકીઓ આપતો હતો. એટલું જ નહીં પરંતુ તેણે સગીરા સાથે જાતિય સતામણી પણ કરી હતી. કોર્ટે કહ્યું કે, આવા જ માનસિક વિકૃત લોકોને કારણે ઘણી દીકરીઓને પોતાનો અભ્યાસ અધૂરો મૂકવો પડે છે. નાની વયના બાળકોમાં જ્યારે આવી ઘટનાઓનો ડર મનમાં ઘર કરી જાય ત્યારે તેને દૂર કરવો ઘણો મુશ્કેલ હોય છે. જેથી આરોપીને કુલ 11 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પોક્સો કોર્ટે સજા ફટકારતા કહ્યું હતું કે, ‘આરોપીની વર્તણૂકને ધ્યાને લેતાં ભોગ બનનાર પોતાના ઘરમાંથી બહાર નીકળી શકતી નહોતી. આરોપી દ્વારા છેડતી કરવામાં આવશે તેવા ડરથી તે બહાર નીકળી શકતી નહોતી’.
આરોપી સગીરાને લગ્ન કરવા માટે વારંવાર ધમકીઓ આપતો
50 વર્ષનો આધેડ લિયાકત પઠાણ સગીરાને વારંવાર લગ્ન કરવા માટે કહેતો હતો અને જો બીજે લગ્ન કરશે તો તેના માતા-પિતાને મારી નાંખવાની ધમકીઓ આપતો હતો. આ સમગ્ર ઘટનાએ પરિવારે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ સગીરાને એટલી હદે પરેશાન કરી હતી કે, પરિવારે પોતાનું ઘર બદલવું પડ્યું હતું. જેથી સરકારી વકીલે આરોપીને કડકમાં કડક સજા કરવા માટે અપીલ કરી હતી. આરોપીની માનસિક વિકૃતિ છતી થતી હોવાથી આરોપીને કુલ ચાર વખત સજા ફટકારવામાં આવી છે. આરોપીએ કુલ 11 વર્ષમાં જેલમાં રહેવું પડશે. આ સજા અન્ય અપરાધીઓ માટે સબક સમાન છે.
આ પણ વાંચો….અપહરણ અને પોક્સો કેસની આરોપી શિક્ષિકાને કોર્ટે આપ્યાં શરતી જામીન, જાણો શું છે એ શરતો