અમદાવાદ

ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓને કોર્ટે આપ્યો મોટો ઝટકો: ડિસ્ચાર્જ અરજી ફગાવી…

અમદાવાદઃ શહેરના ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસમાં ઝડપાયેલ હોસ્પિટલના ચેરમેન કાર્તિક જશુભાઈ પટેલે અને રાહુલ જૈને કેસમાંથી ડિસ્ચાર્જ થવા માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, તેમને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે, આ કેસમાં અમારો કોઈ જ રોલ નથી.

જો કે આ અરજી સુનવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે કાર્તિક પટેલ ખ્યાતિકાંડનો મુખ્ય કિંગ પિન છે. આરોપી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ચેરમેન છે. આ ગુનાના કાવતરાખોરોનો મુખ્ય હેતુ સરકારની પીએમજેએવાય યોજનાનો આર્થિક ગેરલાભ મેળવવાનો હતો. આરોપી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 50.98 ટકા હિસ્સો ધરાવે છે.

ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના આર્થિક વ્યવહારોમાં તથા ઓડિટ રિપોર્ટમાં આર્થિક નુકસાન થયાનું આરોપીએ દર્શાવ્યું હતું, હોસ્પિટલના તમામ આર્થિક વ્યવહારો આરોપી દ્વારા દિશા નિર્દેશ થયા છે. જે પુરાવાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. વકીલે વધુમાં દલીલ કરી કે, આરોપી મુખ્ય સૂત્રધાર છે હોસ્પિટલમાં દર્દીઓ લાવવા તથા તે દર્દીઓને પીએમજેએવાય હેઠળ હોય કે ન હોય ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા માટે આયુષ્યમાન કાર્ડ ન હોય તેવા લોકોને પણ આરોપીઓ મારફતે અન્ય લોકોના ડેટાનો ઉપયોગ કરીને સરકારી વેબસાઇટ સાથે ચેડા કરી કાર્ડ મેળવ્યા હતા.

આરોપી સહિતના લોકોએ પૂર્વયોજિત ગુનાહિત કાવતરું રચી પોતાને આર્થિક લાભ લેવા માટે માનવ જીવનનું અવમૂલન કરી ગુનાને અંજામ આપ્યો છે. જેમાં રાહુલ જૈનની પણ પૂરતી સંડોવણી છે, રાહુલ અને કાર્તિક પટેલ અમદાવાદ શહેર તથા આજુબાજુના જિલ્લાઓમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજવા માટે અગાઉ પકડાયેલા આરોપીઓને સૂચના આપી હતી. આરોપી કેસની ટ્રાયલ મોડી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, ચાર્જશીટમાં આરોપી સામે પૂરતા પુરાવા છે.

બંન્ને પક્ષને સાંભળ્યા બાદ કોર્ટે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી. આ સાથે જ કોર્ટે ટાંક્યું કે, ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને મુખ્ય કિંગપિન આરોપી કાર્તિક જશુભાઈ પટેલની સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 6070 પાનાનું ચાર્જશીટ દાખલ કર્યું છે. ચાર્જશીટમાં 30 મહત્વના સાક્ષી, સાત સાક્ષીના મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન છે. કાર્તિક પટેલ સહિતના આરોપીઓએ બિમારીના નામે ડરના નામે ગરીબ દર્દીઓને ડરાવી મોટો આર્થિક લાભ મેળવ્યો છે. જ્યારે રાહુલ જૈનની પણ મુખ્ય સંડોવણી છે ત્યારે ડિસ્ચાર્જ ન કરી શકાય. આમ કોર્ટના આ નિર્ણયથી બંને આરોપીઓની મુશ્કેલી વધી છે.

આ પણ વાંચો…ગુજરાત મેડિકલ કાઉન્સિલનો મોટો નિર્ણયઃ ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા બે ડૉક્ટરના લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button