દ્વારકામાં ભગવાન નથી….” સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુસ્તકનાં દાવાથી વિવાદ; માલધારી સમાજમાં રોષ

અમદાવાદ: સ્વામિનારાયણ સંપ્રદાય તેમના વિવાદોને લઈને સતત ચર્ચામાં રહે છે. થોડા દિવસ પૂર્વે જ સૌરાષ્ટ્રનાં સંત જલારામ બાપા પર આપવામાં આવેલી ટિપ્પણી મુદ્દે ભારે વિવાદ સર્જાયો હતો.
જલારામ બાપામાં આસ્થા ધરાવતા શ્રદ્ધાળુઓ અને રઘુવંશી સમાજ રોષ વ્યાપ્યો હતો અને અંતે સ્વામીએ વિરપુર આવીને માફી માંગી ત્યારે આખો વિવાદ શાંત થયો હતો. ત્યારે હવે ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક પુસ્તકથી વિવાદ સર્જાયો છે.
દ્વારકામાં ભગવાન નથી
પ્રાપ્ત વિગતો અનુસાર વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી એક વખત વિવાદમા આવ્યા છે અને ‘શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો’ નામના પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે પુસ્તકની વાર્તા નંબર 33 માં દ્વારકાધીશ વિષે કહેવાયું છે કે દ્વારકામાં ભગવાન નથી, ભગવાનને જોવા હોય તો વડતાલ જાઓ.જેને કારણે હિંદુ ધર્મના અનુયાયીઓ અને વિશેષ કરીને માલધારી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે.
આપણ વાંચો: સ્વામિનારાયણ સંપ્રદાયનાં વધુ એક સ્વામીએ કર્યો બફાટ, ચારણબાઇ પર આપ્યું વિવાદિત નિવેદન
માલધારી સમાજમાં રોષ
સ્વામીનારાયણ સંપ્રદાયનાં આ પુસ્તકનાં દાવાથી માલધારી સમાજમાં ખૂબ રોષે ભરાયો છે. તેમના આરાધ્ય શ્રીકૃષ્ણ પ્રત્યે લખવામાં આવેલી વાતથી રોષ ભરાયેલા માલધારી સમાજના આગેવાનો બહુમાળી ચોકમાં એકઠા થઈ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે આ પુસ્તક જેના દ્વારા લખાયું હોય તેણે દ્વારિકા આવી અને ભગવાન કૃષ્ણની માફી માગવી જોઈએ.
શું કરવામાં આવ્યો છે દાવો?
પુસ્તકમાં શ્રીમંત આબાસાહેબની વાતનો ઉલ્લેખ કરતા આ દાવો કરવામાં આવ્યો છે કે તેમાં કહેવામાં આવ્યું છે કે, એક વખત તેમણે સ્વામીને પૂછ્યું જે, ‘સ્વામી! મારા કુટુંબીઓ કુસંગી છે અને દ્વારિકાની યાત્રાએ જવાનું કહે છે, તેનું મારે કેમ કરવું? ત્યાં મને ભગવાન દર્શન આપશે?’ ત્યારે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે, ‘ત્યાં હવે ભગવાન ક્યાંથી હોય? જો તમારે પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ.’ આ ઉપરાંત, તેમાં લખવામાં આવ્યું છે કે, ‘તમારા કુટુંબીઓ તો તમારા પૂર્વ જન્મના વેરી છે, તેથી તમને અવળે માર્ગે લઈ ચાલ્યા હતા પણ તમે અમારા ભક્ત છો તેથી રક્ષા કરી.’