
અમદાવાદઃ આજે ગુજરાતના અમદાવાદમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું મહાઅધિવેશન મળી રહ્યું છે. કોંગ્રેસના દરેક દિગ્ગજ નેતાઓ કાલે રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યાં હતા. નોંધનીય છે કે, આજે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી પણ મહત્ત્વપૂર્ણ બેઠકો કરી શકે છે. આ અધિવેશન માટે દેશભરથી 2000થી પણ વધારે મોતા કોંગ્રેસ નેતાઓ ગુજરાતમાં આવ્યાં છે. આજે 11 વાગ્યાથી આ બે દિવસીય અધિવેશનની શરૂઆત કરવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનના ભાગરૂપે અમદાવાદમાં જ કોંગ્રેસ પાર્ટી કાર્ય સમિતિ એટલે કે CWCની બેઠકનું પણ આયોજન કરાશે.
આ અધિવેશનમાં અનેક રાજકીય પ્રસ્તાવ પણ પસાર થઈ શકેઃ સૂત્રો
નોંધનીય છે કે, આ અધિવેશન દરમિયાન અનેક મુદ્દાઓ પર ખુલ્લામંચે ચર્ચાઓ કરવામાં આવશે. આ અધિવેશનમાં અનેક રાજકીય પ્રસ્તાવ પણ પસાર થઈ શકે છે. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આજે સાંજે પાંચ વાગ્યે ગાંધી આશ્રમ જશે અને કીર્તનમાં સામેલ થશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને ‘ન્યાય પથ’ નામ આપવામાં આવ્યું છે. જેમાં સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ ટેગલાઈન પણ આપવામાં આવી છે. અમદાવાદમાં અનેક જગ્યાએ આ અધિવેશનના પોસ્ટરો લાગેલા જોવા મળ્યા છે.
આ પણ વાંચો: કોંગ્રેસના મહાઅધિવેશનમાં પ્રિયંકા ગાંધી પર પાર્ટી થશે મહેરબાન! સૂત્રોએ કહ્યું – મોટી જવાબદારી મળશે
આ મુદ્દાઓ પર ગહન ચર્ચા વિચારણા થયા તેવું સૂત્રોએ જણાવ્યું
ગુજરાત સહિત 6 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી, વક્ફ (સંશોધન) બોર્ડ બિલ અંગે ચર્ચા, પ્રિયંકા ગાંધીને કોઈ મોટી જવાબદારી, રાષ્ટ્રીય કક્ષાએ ફરી કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવી વગેરે બાબતો પર આજે ચર્ચા થશે તેવું પાર્ટીના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, બે દિવસીય અધિવેશન સાબરમતી નદીના કિનારે મળી રહ્યું છે. જેથી કોંગ્રેસ પાર્ટીએ સાબરમતી રિવરફ્રન્ટ નહીં પરંતુ સાબરમતી તટ એવું નામ આપ્યું છે. અધિવેશન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આજથી એટલે કે 11 વાગ્યાથી કોંગ્રેસનું મહાઅધિવેશન શરૂ થઈ જશે.