‘નશામુક્ત ગુજરાત’ અભિયાન: કોંગ્રેસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર, મહિલા કાર્યકર્તાઓની ‘જનતા રેડ’ની ચીમકી

અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીએ સત્તાધારી પક્ષને અનેક મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ તો દારૂ અને ડ્રગ્સ મામલે ગુજરાત સરકાર પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યાં હતાં.
કોંગ્રેસનો આરોપ છે કે, ગુજરાત પોલીસ દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે કડક કાર્યવાહી કરતી નથી, જેથી કોંગ્રેસ ‘નશામુક્ત ગુજરાત’ અભિયાનની શરૂઆત કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ અભિયાન અંતર્ગત લોકોની મદદ કરવા માટે એક વિશેષ હેલ્પલાઇન નંબર 99090 89365 પણ જાહેર કર્યો છે.
આપણ વાચો: ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મામલે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સરકારને ઘેરી
પોલીસ કાર્યવાહી નહીં કરે તો મહિલાઓ રેડ પાડશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આ નંબર પર મિસ્ડ કોલ કરીને જનતા અભિયાનને સમર્થન આપી શકે છે તેમ જ વોટ્સએપ મેસેજથી દારૂ કે ડ્રગ્સ અંગેની ફરિયાદો આપી શકે છે, તેમની માહિતી ગુપ્ત રાખવામાં આવશે.
પહેલા તો ડ્રગ્સ કે ચરસ-ગાંજાના અડ્ડા મામલે પોલીસને જાણ કરવામાં આવશે. જો પોલીસ પોતાની ફરજ નહીં બજાવે તો મહિલા કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને ડ્રગ્સ કે ચરસ-ગાંજાના અડ્ડાઓ પર રેડ પાડશે.
આપણ વાચો: લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં 23 કરોડની રોકડ, 17 લાખ લિટર દારૂ અને 699 કિલો ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ મામલે BJP શાસન પર કોંગ્રેસના વાક્ પ્રહાર
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, 30 વર્ષના BJP શાસનમાં ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ, મેન્યુફેક્ચરિંગ, રીટેલિંગ હબ બની ગયું છે. બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓને રાજકીય છત્રછાયા મળવાથી આખું રાજ્ય નશાની બેફામ ઉપજમાં ધકેલાઈ ગયું છે એ હકીકત આજે સૌએ સ્વીકારી છે.
જન આક્રોશ યાત્રા દરમિયાન અસંખ્ય મહિલાઓએ જણાવ્યું કે પીવાનું પાણી નહીં મળે, પણ દારૂ તો ખુલ્લેઆમ મળી રહે છે. ડબલ એન્જિન સરકારને આનાથી કોઈ જ ફર્ક પડતો નથી, કારણ કે હપ્તા અને ભ્રષ્ટ તંત્રના રક્ષણ હેઠળ આ સમગ્ર રાફડો ચાલે છે.
ડ્રગ્સનુ સૌથી મોટું માર્કેટ આજે કોલેજ કેમ્પસ
ગુજરાત કોંગ્રેસે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ગુજરાત કોંગ્રેસ NSUI મારફતે 1000થી પણ વધારે કોલેજોમાં ‘Drugs Free Campus’ અભિયાન ચલાવશે અને વિદ્યાર્થીઓને નશો છોડવાની શપથ લેવડાવશે.
આ સાથે દર વર્ષે કરોડોનું ડ્રગ્સ અદાણી પોર્ટથી લઈને દરિયાકાંઠાના વિસ્તારો સુધી પકડાય છે, પણ મોટા માફિયા ક્યારેય પકડાતા નથી. સરકાર પાસે જો હિમ્મત હોય તો 72,000 કરોડના ડ્રગ્સ પર વ્હાઇટ પેપર રજૂ કરે. પાકિસ્તાનથી ડ્રગ્સ આવે છે એવું કહેતા હોય, તો સીઝફાયરના સમયે ‘ડ્રગ્સ સપ્લાય બંધ’ની શરત કેમ ના મૂકી?
આપણ વાચો: ‘દારૂ-ડ્રગ્સના મામલે જો ગંભીર હો તો…’ ગોપાલ ઈટાલીયાએ હર્ષ સંઘવીને પત્ર લખી ફેંક્યો પડકાર
અમિત ચાવડાએ પણ સરકાર પર પ્રહાર કર્યા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અમિત ચાવડાના જણાવ્યાં પ્રમાણે ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ મળે છે. ગુજરાતમાં લોકોને પીવા માટે પાણી નથી મળતું પરંતુ દારૂ મળી રહે છે. આ સાથે ગુજરાત હવે ડ્રગ્સ માટે લેન્ડિંગ હબ, મેન્યુફેક્ચરિંગ હબ, ટ્રેડિંગ હબ અને રીટેલિંગ હબ બની ગયું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ સરકાર પર ડ્રગ્સ મામલે આક્ષેપો કર્યા અને સરકાર પાસે 72,000 કરોડના ડ્રગ્સના મુદ્દે વ્હાઇટ પેપર રજૂ કરવાની માંગણી કરી હતી. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલે પણ જનતા રેડ પાડવાની અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.



