
અમદાવાદ: ગુજરાતનો ડંકો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે વાગશે. કોમનવેલ્થ ગેમ 2030ની યજમાની અમદાવાદ શહેર કરવા જઈ રહ્યું છે. આ ઉપરાંત ઓલિમ્પિક 2036ની પણ યજમાની અમદાવાદ કરી શકે છે. જેનાથી ગુજરાતના વિકાસમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. આ બે વર્લ્ડ-ક્લાસ ઇવેન્ટના આયોજનથી અમદાવાદની કાયાપલટ થશે, જ્યાં અત્યાધુનિક સ્ટેડિયમો, વીઆઈપી રોડ, હાઇટેક બ્રિજ અને લક્ઝુરિયસ સ્પોર્ટ્સ વિલેજનું નિર્માણ થશે. આ વિકાસ કાર્યોથી માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, પણ રિયલ એસ્ટેટ, પ્રવાસન અને રોજગારના ક્ષેત્રે જંગી ઉછાળો જોવા મળશે, જેનાથી ગુજરાત દેશમાં સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત થશે.
કોમનવેલ્થ 2030નું અંદાજિત બજેટ
વિકાસના આ વિશાળ પ્રોજેક્ટ પાછળના ખર્ચની વાત કરીએ તો, 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે અંદાજિત ₹30,000 કરોડથી ₹35,000 કરોડનો તોતિંગ ખર્ચ થવાનો અંદાજ છે. આ આંકડામાં માત્ર રમતગમતના સ્ટેડિયમ નિર્માણ માટે અંદાજિત ₹5,000 કરોડનો ખર્ચ અને બાકીનો મોટો હિસ્સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર થશે. આ ખર્ચ લાંબા ગાળાનું રોકાણ હોવાથી ગુજરાતના અર્થતંત્ર પર સકારાત્મક અસર કરશે, જેના કારણે રાજ્યના GDP ગ્રોથ પણ વધારો થવાની શક્યતા છે. નિષ્ણાતોના મતે, આ મેગા-ઇવેન્ટ્સના આયોજનથી લગભગ 3 લાખ જેટલી રોજગારીની તકોનું સર્જન થશે, જેમાં લાંબાગાળાની અને અસંખ્ય ટૂંકાગાળાની રોજગારીનો સમાવેશ થાય છે.

રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકેટ ગતિએ તેજી
કોમનવેલ્થ ગેમ્સની યજમાનીને કારણે રિયલ એસ્ટેટ માર્કેટને મોટો બૂસ્ટ ડોઝ મળવાની પ્રબળ આશા છે. રમતગમતના સ્થળોની આસપાસના વિસ્તારોમાં જમીન-મકાનના ભાવમાં અભૂતપૂર્વ વધારો થવાની સંભાવના છે. રિયલ એસ્ટેટના જાણકારોનું માનવું છે કે, ચાંદખેડા, મોટેરા, ઝુંડાલ, વૈષ્ણોદેવી સર્કલ અને સરગાસણ સહિતના વિસ્તારોમાં 15% થી 20% સુધીનો ભાવ વધારો જોવા મળી શકે છે.
આ ઉપરાંત અમદાવાદની આસપાસના 77 કિલોમીટરના વિસ્તારમાં ભાવો ઊંચા જઈ શકે છે અને યોગ્ય રોકાણકારોને 35% થી વધુનું રિટર્ન પણ મળી શકે છે. આ વિકાસને ધ્યાનમાં રાખીને અફોર્ડેબલ હાઉસિંગ અને ઓપન લેન્ડમાં પણ મોટું ડેવલપમેન્ટ થશે.

હોટલ, ટુરિઝમ અને એરલાઇન ક્ષેત્રને વેગ
કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી હોટલ, ટુરિઝમ અને એરલાઇન ક્ષેત્રને જબરદસ્ત વેગ મળશે. આંતરરાષ્ટ્રીય મહેમાનોને આવકારવા માટે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી પાંચ વર્ષમાં વર્તમાન 5,420 રૂમની ક્ષમતામાં 3,000 જેટલા નવા રૂમ ઉમેરવાનું આયોજન છે, જેમાં 1,500 રૂમ ફાઇવ-સ્ટાર કેટેગરીના હશે.
આ સાથે અદાણી ગ્રુપ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર 700 થી 800 રૂમની ક્ષમતા ધરાવતી બે મોટી હોટલ ખોલવાની તૈયારી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે આવી ઈન્ટરનેશનલ આયોજન સમયે હોટલની ઓક્યુપેન્સીમાં 10% થી 25% સુધીનો વધારો થતો હોય છે. ત્યારે કોમન વેલ્થ ગેમ કાર્યક્રમ દરમિયાન પણ હોલટ સેક્ટરનીમાં તેજી આવવાની શક્યતા છે.
જ્યારે આંતરરાષ્ટ્રીય ઇવેન્ટને કારણે ગુજરાતનું પ્રવાસન વિશ્વ ફલક પર ચમકશે. હાલમાં જે 20% થી 30% આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ગુજરાત આવે છે, તે સંખ્યા 2030 પછી વધીને 50% સુધી પહોંચી શકે છે. સરકાર દ્વારા હોટલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે દિલ્હીની જેમ લક્ઝુરિયસ ટેક્સ અને અન્ય ટેક્સમાં માફી આપતી નવી ટુરિઝમ પોલિસી લાવવાની નિષ્ણાંતો માગ કરી રહ્યા છે.
મેટ્રોના રૂટને લંબાવીને ગાંધીનગર સુધી પહોંચાડવામાં આવ્યો છે અને વધુ વિસ્તરણની તૈયારીઓ છે. રોડ વાઇડનિંગનું કામ પણ યુદ્ધના ધોરણે શરૂ થશે. કોમનવેલ્થના સમય સુધીમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન અને ધોલેરાનું એરપોર્ટ શરૂ થઈ ગયું હશે, જેનાથી ટ્રાન્સપોર્ટેશનને મોટો બૂસ્ટ મળશે.
દિલ્હીમાં 2010માં કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી ભ્રષ્ટાચારના આક્ષેપો છતાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલ-3 (T3) જેવી વર્લ્ડ ક્લાસ સુવિધા ઊભી થઈ હતી, જેનો લાભ આજે પણ મળી રહ્યો છે. અમદાવાદમાં પણ આ રીતે તૈયાર થનાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે.
આપણ વાંચો: બુલેટ ટ્રેનનાં સ્ટેશનોની આસપાસના વિસ્તારોના વિકાસ માટે ગુજરાત સરકારે ઓથોરિટી બનાવી



