IPL 2025અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પર IPL ફાઇનલને કારણે મુસાફરોનો રેકોર્ડબ્રેક ધસારો: કોલ્ડપ્લેનો રેકોર્ડ તૂટ્યો

અમદાવાદઃ મંગળવારે શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ ફાઈનલ નિહાળવા દેશભરમાંથી ક્રિકેટ ચાહકો ઉમટ્યા હતા. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો અને ફ્લાઇટ્સના લેન્ડિંગ-ટેકઓફમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો.

મળતી વિગત પ્રમાણે, 3 જૂને અમદાવાદ એરપોર્ટ પરથી રેકોર્ડબ્રેક 51,500 મુસાફરોની અવરજવર થઈ હતી. તેમજ નિયમિત ફ્લાઇટ્સની 250થી વધુ અને 16 ચાર્ટર ફ્લાઇટ્સની ગતિવિધિ નોંધાઈ હતી. આ પહેલા ચાલુ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલા કોલ્ડપ્લ કોન્સર્ટ વખતે 46,500 મુસાફરોની અવરજવર નોંધાઈ હતી. જે અત્યાર સુધીનો એક રેકોર્ડ હતો, આ રેકોર્ડ આઈપીએલ ફાઈનલ દરમિયાન તૂટ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 25 અને 26 જાન્યુઆરી, 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાયો હતો. એ પૂર્વે 24 જાન્યુઆરીથી અમદાવાદ એરપોર્ટ પર દેશનાં વિવિધ શહેરોમાંથી અને વિદેશમાંથી પણ શો જોવા માટે મુસાફરોની ચહલપહલ વધી ગઈ હતી. જેમાં 24 જાન્યુઆરી એટલે કે, કોન્સર્ટના એક દિવસ પહેલાં અમદાવાદ એરપોર્ટ પર કુલ 44,000 મુસાફરોએ અવરજવર કરી હતી. આ ઉપરાંત 320 ફ્લાઈટની મૂવમેન્ટ રહી હતી, જેમાંથી 38 ચાર્ટર પ્લેન હતાં.

અમદાવાદમાં ક્વોલિફાયર-2 અને આઈપીએલ ફાઈનલના કારણે હોટલ અને ફ્લાઇટના ભાડામાં તોતિંગ વધારો થયો હતો. એરપોર્ટ અને સ્ટેડિયમની આસપાસની તમામ હોટલો હાઉસફૂલ થઈ ગઈ હતી. બેંગલૂરુથી અમદાવાદનું વન વે ફેર 40 હજારને પાર થઈ ગયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button