અમદાવાદ

સાબરમતીને બક્ષોઃ ‘સ્વચ્છતા અભિયાન’ વખતે નદીમાંથી મળી આ બધી વસ્તુઓ..

અમદાવાદઃ આશરે બે દાયકા બાદ અમદાવાદની સાબરમતી નદીને સ્વચ્છ કરવામાં આવી રહી છે. મેયર, કમિશનર સહિત ભાજપના કાર્યકરો સફાઈ માટે નદીમાં ઉતર્યા હતા. સ્વચ્છતા અભિયાનમાં ભાજપના કોર્પોરેટરોને રસ ન હોય તેમ 160માંથી માત્ર 25 થી 30 કોર્પોરેટર જ ઉપસ્થિત રહ્યા હતા. સફાઈ દરમિયાન નદીમાં ભગવાનના ફોટા, ધજા, માળા, ફૂલો, પ્લાસ્ટિક સહિતની ચીજ વસ્તુઓ મોટી સંખ્યામાં મશી હતી.

સાબરમતી ગાંધીઆશ્રમની પાછળના ભાગે રિવરફ્રન્ટ પર સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનમાં આજે સવારથી વિવિધ સંસ્થાઓ સફાઈ અભિયાનમાં જોડાઈ હતી. 25થી વધુ સંસ્થાઓના કાર્યકર્તાઓ દ્વારા સફાઈ કરવામાં આવી હતી. સફાઈ કરનારા લોકોને મોઢે માસ્ક, હાથમાં ગ્લવઝ અને કચરો ભરવા માટેની થેલી આપવામાં આવી હતી.

વિવિધ સંસ્થાના 500થી વધારે લોકોએ હાથમાં પાવડો લઈ નદીની સફાઈ કરી હતી. સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને તરફ સાફ-સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નદીના પટમાં જ્યાં પાણી નથી તેવા સ્થળ પર સફાઈ કરવામાં આવી હતી.

આપણ વાંચો: અમદાવાદના રિવરફ્રન્ટ પર બદલાશે નજારો: સાબરમતી નદી સુકાશે, જાણો કારણ

સાબરમતી રિવરફ્રન્ટનો પ્રથમ તબક્કો વર્ષ-2003-04માં શરુ કરાયો એ પહેલા નદી ખાલી કરી તેમાં રહેલો કાંપ કાઢવામાં આવ્યો હતો. બે દાયકાથી નદીના કાંપને કાઢીને કયારેય સફાઈ કરવામાં આવી નહોતી. વર્ષ 2019માં સાબરમતી નદીની સફાઈ કરવામાં આવી હતી.

તે સમયે સફાઈ અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં કચરો અને પ્લાસ્ટિક જેવી ચીજવસ્તુઓ મળી આવી હતી. છ વર્ષ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સાબરમતી નદીના સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આપણ વાંચો: અમદાવાદની ઓળખ બની ગયેલા સાબરમતી રિવરફ્રન્ટને આ રીતે વિકસાવશે સરકાર

ચોમાસા અગાઉ વાસણા બેરેજના દરવાજાની મરામત શરુ કરવામાં આવી છે. બેરેજના દરવાજાની મરામત 5 જુન સુધીમાં પૂરી કરવામાં આવશે. બેરેજના ઉપરવાસમાં માટીનો પાળો બનાવાનો હોવાથી નદી ખાલી કરાઈ છે. જેમ જેમ નદી સુકાશે તેમ પાંચ તબક્કામાં સફાઈ કરવામાં આવશે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના 2023ના અહેવાલ પ્રમાણે ભારતની સૌથી પ્રદૂષિત નદીઓમાં અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદી બીજા સ્થાને છે અને ગુજરાતની તે સૌથી વધારે પ્રદૂષિત નદી છે. સાબરમતી નદીનું પ્રદૂષણ એક ચિંતાજનક મુદ્દો છે અને હાઇ કોર્ટે પણ તેની નોંધ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button