બાળ મજૂરીમાંથી મુક્તિ: મીઠાઈ ફેક્ટરીમાંથી બાળ મજૂરને કરાયો મુક્ત

અમદાવાદ: તહેવારો અને ખુશીના પ્રસંગોમાં જે મીઠાઈઓ આપણા મોં મીઠા કરાવે છે, તે મીઠાઈ બનાવતી એક ફેક્ટરી પાછળ એક બાળકની જિંદગીની કડવાશ છુપાયેલી હતી. વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસની બરાબર આગલી સાંજે, અમદાવાદ જિલ્લા ટાસ્ક ફોર્સે નરોડા GIDCમાં આવેલા મીઠાઈના કારખાના આશાપુરા દૂધ ઘર પર દરોડો પાડીને એક 10 વર્ષના માસૂમ બાળકને મજૂરીના દૂષણમાંથી મુક્ત કરાયો છે.
જાગૃત નાગરિકની બાતમીના આધારે હાથધરી કર્યવાહી
જિલ્લા બાળ સુરક્ષા એકમને એક જાગૃત નાગરિક તરફથી મળેલી બાતમીના આધારે નરોડા GIDCના એક મીઠાઈના કારખાના આશાપુરા દૂધ ઘરમાં એક બાળક અને તરુણ પાસે બિન જોખમી મજૂરી કરાવવામાં આવી રહી છે. માહિતીના આધારે, મદદનીશ શ્રમ આયુક્તના માર્ગદર્શન અને જિલ્લા શ્રમ અધિકારીની આગેવાનીમાં બાળમજૂરી વિરોધી ટાસ્ક ફોર્સના સભ્યો, પ્રયાસ સોસાયટીના કાઉન્સેલર અને જિલ્લા બાળ સુરક્ષા યુનિટના અધિકારીઓએ સ્થળ પર દરોડો પાડ્યો હતો. ટીમ જ્યારે પહોંચી ત્યારે બાળક અને તરુણ પાસે બિન જોખમી શ્રમ કરાવાઈ રહ્યો હતો. ફેક્ટરી માલિક પાસેથી સંતોષ કારક જવાબ મળ્યો ન હતો. બાળકના આધાર કાર્ડની તપાસ કરતાં તેની જન્મતારીખ 24 ડિસોમ્બર 2014 જણાય હતી. આ ઉપરાંત અન્ય એક તરૂણની ઉંમર 16 વર્ષ જણાઈ આવી હતી.
ટાસ્ક ફોર્સના આગેવાન અને સરકારી શ્રમ અધિકારી જીગર પટેલે જણાવ્યું કે, “બાળકને ત્યાંથી મુક્ત કરાવીને, માલિક વિરુદ્ધ બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, 1986ની કલમ 3 અને 14(1) હેઠળ કડક કાર્યવાહી કરવા FIR દાખલ કરવામાં આવી છે.”
બાળકનું પુનર્વસન
બાળ કલ્યાણ સમિતિ (CWC)ના આદેશ મુજબ, બાળકને હાલ સરસપુરમાં આવેલી પ્રયાસ જુવેનાઇલ એઇડ સેન્ટર સંસ્થામાં આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. બાળકનું અને પિતાનું કાઉન્સેલિંગ કરીને સમજ આપવામાં આવી છે. બાળકને ફરીથી શિક્ષણના પ્રવાહમાં જોડીને તેના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં આવશે.
આવતીકાલે, 12 જૂને, જ્યારે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે બાળકની આ કહાની આપણને સૌને બાળ મજૂરી સામે અવાજ બુલંદ કરવાનો સંદેશ આપે છે. જો આપણી આસપાસ કોઈ પણ બાળક મજૂરી કરતું દેખાય તો આંખ આડા કાન કરવાને બદલે ચાઇલ્ડલાઇન હેલ્પલાઇન 1098 પર ફોન કરવો જોઈએ. આપણો એક ફોન કોઈનું બાળપણ બચાવી શકે છે.
51 કિશોર અને 26 બાળકોને મુક્ત કરાવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે બાળ મજૂરીની સામાજિક બંદીને નાથવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રે રેઇડ, રેસ્ક્યુ અને રિહેબિલિટેશનની સ્ટ્રેટેજી અપનાવી છે. જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરીને છેલ્લાં બે વર્ષમાં કુલ 51 કિશોર અને 26 બાળકોને કામના સ્થળેથી મુક્ત કરાવવામાં આવ્યાં છે. કસૂરવાર માલિકો સામે કુલ ૩૯ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ 19 એફઆઈઆર નોંધવામાં આવી છે.