તૈયાર રહેજો! અમદાવાદ એરપોર્ટ પર મળશે સસ્તા iPhone અને iPad; ટૂંક સમયમાં થશે હરાજી | મુંબઈ સમાચાર

તૈયાર રહેજો! અમદાવાદ એરપોર્ટ પર મળશે સસ્તા iPhone અને iPad; ટૂંક સમયમાં થશે હરાજી

અમદાવાદ: બજાર કરતા નીચા ભાવે એપલ આઇફોન, એપલ વોચ, આઈપેડ અને લેપટોપ સહીતના ઇલેક્ટ્રિક ગેજેટ્સ ખરીદવાની ઈચ્છા ધરવતા લોકો માટે મહત્વના સમાચાર છે. ટૂંક સમયમાં અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીમાં પકડાયેલા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સની હરાજી યોજવામાં (Auction of electronic items at Ahmadabad airport) આવશે.

અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરો પાસેથી સોનું, ડ્રગ્સ અને પ્રીમિયમ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ પકડાયા હોવાના સમાચાર અવારનવાર પ્રકાશિત થતાં રહે છે. લોકોને એ સવાલ પણ થાય છે કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા જપ્ત કરાયેલી આ વસ્તુઓનું શું કરવામાં આવે છે?

એરપોર્ટ પર જપ્ત કરાયેલું સોનું નિયમો અનુસાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)ને સોંપવામાં આવે છે. જ્યારે બાકીનું વસ્તુઓની સમય સમયે હરાજી કરવામાં આવે છે, જેથી દાણચોરી હેઠળ પકડાયેલી વસ્તુઓમાંથી સરકારને આવક થઇ શકે.

આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે એપલ બાદ સેમસંગને પણ ધમકી આપી, કહ્યું – સ્માર્ટફોનનું ઉત્પાદન અમેરિકામાં કરો નહીં તો…

ટૂંક સમયમાં જાહેર થશે તારીખ:

એક અખબારી અહેવાલ મુજબ અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં મુસાફરો પાસે જપ્ત કરવામાં આવેલા આઇફોન, એપલ વોચ, આઈપેડ અને લેપટોપ મળીને કુલ 158 ડિવાઈસની હરાજી કરવામાં આવશે, જોકે હરરાજી માટેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

નિયત કસ્ટમ ડ્યુટી ચૂકવ્યા વગર ઈલેક્ટ્રોનિક ડિવાઈસ ભારતમાં ઘુસાડવા માટે દાણચોરીના પ્રયાસ નિષ્ફળ રહેતા કસ્ટમ વિભાગ પાસે ઘણા ગેજેટ્સ જમા થયા છે. અહેવાલ મુજબ હરાજી માટે જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ, તારીખ જાહેર કરવામાં આવશે.

અહેવાલ મુજબ બહારના દેશોમાંથી ભારતમાં આવતી મોબાઇલ ફોન, આઈપેડ અથવા લેપટોપ જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જપ્ત 40 ટકા ડ્યુટી ચૂકવવી પડે છે. દાણચોરો પાસેથી જપ્ત કરાયેલી વસ્તુઓની હરાજી કરવાથી સરકારને કસ્ટમ ડ્યુટીની અવાકમાં થયેલા નુકશાનની ભરપાઈ થાય છે, આ ઉપરાંત હરરાજીમાં વસ્તુ ખરીદતા લોકોને બજાર દર કરતાં સસ્તા દરે વસ્તુ મળી રહે છે.

આપણ વાંચો: અમેરિકી રાષ્ટ્રપતિએ આપી ખુલ્લી ધમકીઃ એપલનું મેન્યુફેક્ચરિંગ અમેરિકામાં નહીં તો 25 ટકા ટેરિફ…

અમદાવાદ પર દાણચોરીના પ્રયાસો વધ્યા:

અહેવાલ મુજબ છેલ્લા મહિનાઓમાં અમદાવાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક ડિવાઈસ જપ્ત થયા છે. 3 જુલાઈ, 2024 ના રોજ અબુ ધાબીથી આવેલા એક પેસેન્જર પાસેથી 15 નંગ iPhone 15 Pro, 4 એપલ વોચ અને 9.5 કિલોગ્રામ કેસર મળીને રૂ.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

એક વર્ષ પહેલા જુલાઈ મહિનામાં શારજાહથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી 12 યુનિટ iPhone 15 Pro, ચાર એપલ વોચ, એક લેપટોપ અને 10 કિલો કેસર મળીને કુલ રૂ. 44.90 લાખની મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો.

અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીનું કુલ 132 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. ફક્ત જાન્યુઆરી અને મે 2025 વચ્ચે જ 25 કિલો સોનું ઝડપાયું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ ડ્રોન્સ અને ઇ-સિગારેટ પણ જપ્ત કરવામાં આવે છે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button