
અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવમાં શરૂ કરવામાં આવેલા ડિમોલિશન પર ગુરુવારે અચાનક બ્રેક લાગી હતી. મિનિ બાંગ્લાદેશ તરીકે ઓળખતા ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી તંત્રએ રાતોરાત સ્થગિત કરતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. ગુરુવારે મિલ્લતનગરમાં બનાવવામાં આવેલા 10 રૂમ અને એક ગોડાઉન પર બુલડોઝર ફરી વળ્યું હતું, જે બાદ કામગીરી બંધ કરવામાં આવી હતી. બે લાખ સામે 1.50 લાખ ચોરસ મીટર જ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી દરમિયાન ધાર્મિક સ્થાનો અને વર્ષોથી જે લોકો આ સ્થળે વસવાટ કરે છે તેમના બાંધકામ નહીં તોડવા કૉંગ્રેસના કેટલાક નેતાઓએ મુખ્ય પ્રધાનને રજૂઆત કરી હતી. આ પછી રાજ્ય સરકારના એક મંત્રી ચંડોળા તળાવની જગ્યામાં ચાલી રહેલી ડિમોલિશનની કામગારી જોવા પહોંચ્યા બાદ એક મીટિંગ યોજાઈ હતી. બેઠકમાં ડિમોલિશનની કામગારીને લઈ કયા પ્રકારની સૂચના આપવામાં આવી તે જાળવા મળ્યું નથી.
ચંડોળા તળાવની આસપાસ કુખ્યાત લલ્લા બિહારીએ ગેરકાયદે પાર્ટીપ્લોટથી માંડીને ગોડાઉન, પાર્કિંગ બાંધી દેતા સ્થાનિકોએ રાજ્યપાલને ફરિયાદ કરી હતી. 2022માં એક વ્યક્તિએ રાજ્યપાલથી લઈ તત્કાલિન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લેખિતમાં ફરિયાદ કરી હતી કે લલ્લા બિહારીએ ચંડોળા તળાવમાં રોજ 40 ટ્રેક્ટરનું પુરાણ કરીને પાર્ટી પ્લોટ બાંધી દીધો છે. તેના મળતિયાઓ દ્વારા ગોડાઉન-દુકાનો બાંધી છે. આ રજૂઆતને પગલે રાજ્યપાલ શહેરી વિકાસ વિભાગને આગળની કાર્યવાહી કરવા ભલામણ કરી હતી. વાત આટલેથી અટકી નહોતી. મુખ્ય પ્રધાન કાર્યાલયમાંતી પણ શહેરી વિકાસ વિભાગને દબાણો તોડવા સૂચના આપવામાં આવી હતી. જોકે કમનસીબે આ બધુંય કાગળ પર જ રહ્યું હતું.

ચંડોળમાંથી હટાવાયેલા લોકો લાંભા રહેવા જતા રહ્યા
ચંડાળા તળાવમાં ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન હટાવવામાં આવેલા લોકો ત્રણ કિલોમીટર દૂર આવેલા લાંભા વોર્ડના ગણેશનગર વિસ્તારમાં આવી રહ્યા છે. રાતના સમયે મોટી સંખ્યામાં લોકો સામાન લઈને આવે છે. આ અંગે કોર્પોરેટર અને પોલીસને જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.
લલ્લા બિહારીના મકાનમાંથી શું મળ્યું
લલ્લા બિહારીના સામ્રાજ્યની એક બાદ એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.લલ્લા બિહારીના પુત્ર ફતેહ મહંમદની પૂછપરછમાં પોલીસને લલ્લા બિહારીના 5 ઘરના સરનામા મળ્યા હતા. તેની ચારેય પત્નીના અલગ અલગ મકાનમાં તપાસ કરીને ક્રાઈમ બ્રાંચે નાણાં ગણવા માટેનું મશીન અને થેલા ભરીને ભાડા કરાર, મકાનોના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત મોટા પ્રમાણમાં રોકડ અને સોનાના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા હતા. લલ્લા બિહારી પ્રસંગમાં રાજસ્થાનના ગયો હોવાની વાત મળતી ક્રાઈમ બ્રાંચની ટીમ ત્યાં પહોંચી હતી, પણ તે હાથ લાગ્યો નહોતો.
આપણ વાંચો: ગુજરાત બોર્ડનું ગમે ત્યારે જાહેર થશે પરિણામ, જાણો કેવી રીતે કરશો ચેક