
અમદાવાદઃ શહેરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો ગઢ માનવામાં આવતા ચંડોળા તળાવ વિસ્તારમાં તંત્રએ કાર્યવાહી શરૂ કરી હતી. 50 જેટલા જેસીબી મશીન સાથે ટીમ બાંધકામ તોડી રહી છે. મોડી રાતથી જ ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર અને ટ્રકો ખડકી દેવામાં આવી હતી. ચંડોળા તળાવમાં છેલ્લા 15 વર્ષમાં મોટા પાયે દબાણ થઈ ગયું છે. જેને તોડવા માટે સવારથી જ તંત્ર સક્રિય થઈ ગયું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
ચંડોળા વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓ પૈકી કેટલાક લોકોએ બોગસ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પણ બનાવી લીધા હતા. આ વિસ્તારને ક્લીન કરવા માટે બે હજારથી વધુ પોલીસનો કાફલો, 60 જેસીબી, 60 ડમ્પર તહેનાત કરવામાં આવ્યા છે. ડ્રોનની મદદથી સમગ્ર કાર્યવાહી પર બાજ નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદના ચંડોળા તળાવમાં એક જ દિવસમાં 3000 ગેરકાયદે મકાનો તોડવાનું આયોજન છે.
ડિમોલિશનની શરૂઆત મહેમુદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીના ફાર્મથી કરવામાં આવી હતી. દબાણ માફિયા લલ્લા બિહારીના ફાર્મ હાઉસ પર એએમસીની ટીમ અને અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમ પહોંચી હતી. લલ્લા બિહારીએ 2000 વારમાં ગેરકાયદેસર રિસોર્ટ બનાવ્યો હતો. તળાવમાં બનાવેલા રિસોર્ટમાં સ્વિમિંગ પુલ અને પાર્ટીઓ માટેની જગ્યા પણ બનાવવામા આવી હતી. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગાર્ડન, અને ફુંવારા જોવા મળ્યા હતા. લલ્લા બિહારીએ અનેક ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપ્યો હતો. ઓપરેશન શરૂ થાય તે પહેલા જ લલ્લુ બિહારી ભાગી છૂટ્યો હતો. પોલીસે રિસોર્ટમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. લલ્લા બિહારી સીએએના વિરોધ પ્રદર્શનમાં પોલીસ પર હુમલાનો આરોપી છે. તે ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. એક વ્યકિત દીઠ મહેમુદ પઠાણ 10થી 15 હજાર વસૂલતો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 વર્ષમાં અહીંથી 251 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા હતા. 2019માં 76, 2020માં 17, 2021માં 20, 2022માં 23, 2023માં 40 અને 2024માં 72 બાંગ્લાદેશી ઝડપાયા હતા. અહીં બાંગ્લાદેશીઓ રહેતા હોવાથી તેને ભારતનું મિની બાંગ્લાદેશ પણ કહેવાય છે.
આ પણ વાંચો…વડોદરામાં રેલવે પોલીસે પાંચ બાંગ્લાદેશી ઝડપ્યા, અમદાવાદ અને સુરતમાં ગેરકાયદે રહેતા હતા