ચૈત્રી નવરાત્રિઃ રાજ્યની શક્તિપીઠોમાં સવારથી ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર…

અમદાવાદઃ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થતા જ ગુજરાતભરના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. ખાસ કરીને રાજ્યના શક્તિપીઠોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી રહ્યા છે. મહિસાગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે રાજ્યના અન્ય શક્તિપીઠો જેવા કે બહુચરાજી અને ચોટીલામાં પણ ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર
માતા મહાકાળીના દર્શન માટે હજારો ભક્તો વહેલી સવારથી જ પાવાગઢ પર્વત પર ચઢવાનું શરૂ કર્યું હતું. જય માતાજીના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તો લાંબી કતારોમાં ઉભા રહીને માતાના દર્શન માટે તેમના નંબરની રાહ જોતા જોવા મળ્યા હતા. મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.
શક્તિપીઠ અંબાજીમાં પણ ઉભરાયું ભક્તોનું કિડિયારું
ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતા જ શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે, દૂર-દૂરથી ભક્તો દર્શન કરવા અંબાજી પહોંચ્યા છે. સવારની ભક્તો લાંબી લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા. સરસ્વતી નદીના પવિત્ર જળથી ઘટસ્થાપન કરાશે, ત્યાર બાદ બપોરે અન્નકૂટ ધરાવવામાં આવશે. મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં જોડાયા હતા.
આ પણ વાંચો: ગુજરાત એસટી બસની મુસાફરી મોંઘી થશેઃ બસના ભાડાંમાં દસ ટકાનો વધારો ઝિંકાયો
યાત્રાધામોમાં ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા
અંબાજી મંદિર અને યાત્રાધામ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનનો સમય લંબાવવામાં આવ્યો છે અને પીવાના પાણી તેમજ અન્ય જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મંદિર પરિસર અને પર્વત પર સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત રાખવામાં આવી છે. પોલીસ અને મંદિર પ્રશાસનના કર્મચારીઓ ભક્તોને દર્શનમાં મદદરૂપ થતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: Chaitri Navratri: શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ચોટીલામાં આરતીનાં સમયમાં ફેરફાર
બહુચરાજી અને ચોટીલામાં ભક્તોની ભારે ભીડ
પાવાગઢ ઉપરાંત, રાજ્યના અન્ય શક્તિપીઠો જેવા કે બહુચરાજી અને ચોટીલામાં પણ ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ચૈત્રી નવરાત્રિ એ મા દુર્ગાની ઉપાસનાનો તહેવાર છે. ગુજરાતમાં આ તહેવારનું ખાસ મહત્ત્વ છે અને લોકો માતાની ભક્તિમાં લીન થઈ જાય છે. ઘણા લોકો નવ દિવસ સુધી વ્રત પણ રાખે છે. આગામી નવ દિવસ સુધી પાવાગઢ અને અન્ય શક્તિપીઠોમાં ભક્તિમય માહોલ જળવાઈ રહેશે. પોલીસ અને પ્રશાસન પણ ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે સતત કાર્યરત રહેશે.