અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી; સાળંગપુર સહિતના હનુમાન મંદિરોમા ભક્તોનુ ઘોડાપુર

અમદાવાદઃ આજે હનુમાન જયંતીની ગુજરાતના વિવિધ હનુમાન મંદિરોમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. અમદાવાદના કેમ્પ હનુમાન, બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજનદેવ સાળંગપુર, અરવલ્લીમાં આરામની મુદ્રામાં હનુમાનજી તેમજ અમરેલીનાં ભૂરખિયા હનુમાનજીના મંદિર ખાતે શ્રદ્ધાળુઓનું કિડીયારૂ ઉભરાયું હતું.

સમગ્ર રાજ્યમાં ઉજવણી

ગુજરાતમાં આવેલા પૌરાણિક અને સુપ્રસિદ્ધ હનુમાનદાદાના વિવિધ મંદિરો ખાતે વહેલી સવારથીજ ધાર્મિક કાર્યક્રમો ના આયોજન કરવામાં આવ્યા છે. જેમાં સુંદરકાંડ પાઠ, હોમ હવન, સામૂહિક ભંડારા પ્રસાદી તેમજ અનેક નાના મોટા ધાર્મિક કાર્યક્રમો ના આયોજન કરવામાં આવ્યા છે. અમદાવાદના કેમ્પ હનુમાન, કષ્ટભંજન દેવ સાળંગપુર અને અરવલ્લીમાં આરામની મુદ્રામાં હનુમાનજીના દર્શન કરવા માટે વહેલી સવારથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ભગતોએ આરતીનો લ્હાવો લઇને દર્શન કર્યા હતા.

સાળંગપુર હનુમાન જયંતિની વિશેષ ઉજવણી

સાળંગપુર મંદિરમાં પરોઢિયેથી ભક્તોનો ધસારો જોવા મળ્યો છે. હનુમાન જયંતીના દિવસે સવારમાં મંગળા આરતીની લ્હાવો લેવા માટે વહેલી સવારથી જ ભક્તો પહોંચી મંદિર પહોંચી ગયા હતા. સાળંગપુરમાં દાદાના સાંનિધ્યમાં મારૂતિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને હાલાકી ન પડે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગઇકાલે 11 એપ્રિલનાં રોજ રાત્રે 8.30 કલાકે કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી યોજવામાં આવી હતી. જેમાં હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી તેમજ ઐતિહાસિક આતશબાજીથી દાદાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેમ્પ હનુમાન પર ભક્તોનો ધસારો

આજે ચૈત્ર સુદ પૂનમ અને શનિવારના શુભ સમન્વયના અવસરે વીર બજરંગી ભગવાન હનુમાન દાદાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં હનુમાન જન્મોત્સવની આજે ઉજવણી થઇ રહી છે. ત્યારે અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરમાં દર્શન કરવા માટે વહેલી સવારથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ભગતોએ આરતીનો લ્હાવો લઇને દર્શન કર્યા હતા.

આ પણ વાંચો: ગીતા મહિમા – ગીતાનો હેતુ આ ગૂઢ જ્ઞાન આપણા જીવન અંધકારને દૂર કરવાનો છે

ભૂરખિયામાં પણ ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર

અમરેલીમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. લાઠીના ભુરખિયા હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. મોડી રાત્રે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દર્શને પહોંચી ગયા છે, સુપ્રસિધ્ધ ભુરખિયા હનુમાન મંદિરે ચાલીને જવાની પરંપરા છે. માન્યતા છે કે પગપાળા જવાથી હનુમાન દાદા કષ્ટોનું નિવારણ લાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button