40 મેડિકલ કોલેજો પર સીબીઆઈના દરોડા, કલોલ ખાતેની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના સંચાલક સામે ફરિયાદ…

અમદાવાદ: ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલની દિલ્હી સ્થિત ઓફિસ તેમજ અમદાવાદ સ્થિત પ્રોપર્ટી પર સીબીઆઈએ બુધવાર મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. આ જ રીતે સીબીઆઇએ 40 મેડિકલ કોલેજો પર દરોડા પાડ્યા હતા. લાખો રૂપિયાની કેશ જપ્ત કર્યા બાદ ૬ની ધરપકડ કરી હતી. ઉચ્ચસ્તર સુધી પહોંચેલી ફરિયાદના અનુસંધાનમાં સીબીઆઇ દ્વારા કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તર-પ્રદેશ, ન્યુ દિલ્હી, મધ્ય-પ્રદેશ અને ગુજરાતમાં દરોડા પાડ્યા હતા.

સીબીઆઇ દ્વારા 40 મેડિકલ કોલેજો પર દરોડા પાડવામાં આવ્યાં
નેશનલ મેડિકલ કમિશન અને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના 11 અધિકારીઓ સહિત કુલ 36 વ્યક્તિ સામે સીબીઆઇ દ્વારા ભ્રષ્ટાચાર બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મેડિકલનું સમગ્ર કૌભાંડ 1300 કરોડ રૂપિયાથી વધારેનું હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતના કલોલ ખાતેની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના સંચાલકનું નામ પણ ફરિયાદમાં સામેલ છે.
6 વ્યક્તિ સામે સીબીઆઇ દ્વારા ભ્રષ્ટાચાર બદલ ફરિયાદ દાખલ કરાઈ
ફાર્મસી કાઉન્સિલમાં જે પ્રમાણે કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે, તે જ રીતે મેડિકલમાં સીબીઆઇ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતાં રૂપિયા લઇને કોલેજની મંજૂરી આપવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. 36 આરોપીમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 11 અધિકારી, નેશનલ મેડિકલ કમિશનના જોઇન્ટ ડાયરેક્ટર અને યુજી અને પીજીને મંજૂરી આપતાં બોર્ડના સિનિયર મેમ્બર ડો.જે. એલ. મીનાનું નામ પણ સામેલ છે. જોઇન્ટ ડાયરેક્ટર પાસેથી 50 લાખ રૂપિયાની કેશ જપ્ત કરવામાં આવી છે.
કોની સાંઠગાંઠમાં આ રેકેટ ચલાવવામાં આવતું હતું?
એફઆરઆઇ દાખલ કરવામાં આવી છે તેમાં ગુજરાતની કલોલ ખાતેની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના સંચાલક સ્વામી ભગતવાત્સલદાસજી, રાયપુર છતીસગઢના ધાર્મિક ગુરુ રવિશંકરજી મહારાજ, ચેરમેન રાવતપુરા સરકાર ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ, રાયપુરનું નામ પણ સામેલ છે. સીબીઆઇની તપાસમાં નેશનલ મેડિકલ કમિશનના આઇટી વિભાગ અને યુજી-પીજી બોર્ડના અધિકારીઓ તેમજ કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓની સાંઠગાંઠમાં વ્યવસ્થિત રેકેટ ચલાવવામાં આવતું હોવાનું ખૂલ્યું હતું. મેડિકલ કોલેજમાં ભૂતિયા ફેકલ્ટી, અપૂરતા પેશન્ટ, માળખાકીય સુવિધાઓનો અભાવ હોવા છતાં લાખો રૂપિયાની લાંચ લઇને મેડિકલ કોલેજોને મંજૂરી આપતાં હતા.
હાલમાં સીબીઆઇ દ્વારા 06 વ્યક્તિઓ કે જેમાં 03 ડોક્ટરો સામેલ છે તેમની ધરપકડ કરીને રિમાન્ડ પર લઇને તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં નેશનલ મેડિકલ કમિશન અને કેન્દ્રીય આરોગ્ય વિભાગના અનેક ઉચ્ચ અધિકારીઓના નામ બહાર આવવાની શકયતા છે. એક સાથે 40થી વધુ મેડિકલ કોલેજ પર સીબીઆઇના દરોડોના કારણે હાલમાં સમગ્ર દેશમાં મેડિકલ વર્તુળમાં ખળભળાટ મચી ગયો હતો.