ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મોન્ટુ પટેલના ઘરે સીબીઆઈની રેડ, ભ્રષ્ટાચારનો આરોપ
મોન્ટુ પટેલ પર કોલેજોને માન્યતા આપવા માટે લાંચ લીધી હોવાનો આરોપ

અમદાવાદઃ સીબીઆઈ દ્વારા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મોન્ટુ પટેલના ઝુંડાલમાં આવેલા બંગલા પર દરોડા પાડવામાં આવ્યા છે. ગેરકાયદેસર કોલેજો અને અન્ય કૌભાંડોના સંદર્ભમાં મોન્ટુ પટેલના ઘરે આ દરોડા પાડવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ મોન્ટુ પટેલ પર દિલ્હીમાં તેમની ઓફિસ અને ઘરે લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતની તપાસ કરવામાં માટે આજે ઝુંડાલમાં આવેતા તેના બંગલા પર રેડ પાડવામાં આવી છે.
મોન્ટુ પટેલ એબીવીપી પેનલમાંથી ચૂંટણી લડીને બિનહરીફ પ્રમુખ બન્યા હતા. ચાર વર્ષ પહેલાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યો માટે ચૂંટણી યોજી હતી. જેમાં ગુજરાતના સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના ચેરમેન મોન્ટુ કુમાર પટેલે એબીવીપી પેનલ વતી ઉમેદવારી નોંધાવી હતી. જોકે, તેમને ચૂંટણીમાં બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વની વાત એ છે કે, મોન્ટ પટેલ પર કોલેજની માન્યતાઓ માટે લાંચ લીધી હોવાનો આક્ષેપ છે. જેથી સીબીઆઈ દ્વારા મહારાષ્ટ્ર સહિત જે રાજ્યોમાં કોલેજોને માન્યતા આપવામાં ગેરરીતિ આચરી હશે તે તમામ બાતે પણ તપાસ કરવામાં આવશે. આ પહેલા પણ મોન્ટ પર કેટલાક આક્ષેપો થયેલા છે. જેમાં PCIમાં નકલી ઇનવર્ડ નંબર, બેકડેટ એન્ટ્રીઝ અને GPSCની ફાઇલોમાં હેરાફેરી કરવી જેવી બાબતો સામેલ છે. સીબીઆઈ દ્વારા મોન્ટ પટેલના ઘરે રેડ પાડવામાં આવી છે, પરંતુ મોન્ટુ પટેલ ઘરે ફરાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.