અમદાવાદમાં ત્રણ વર્ષની બાળકી પર કાર ફરી વળી: જુઓ કેવી રીતે થયો ચમત્કારિક બચાવ

અમદાવાદ: રામ રાખે એને કોણ ચાખે! આ ઉક્તિને સાર્થક કરતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદમાં એક કરૂણ દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. નોબલનગર વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં એક સગીર કારચાલકે રમતી ત્રણ વર્ષની બાળકી પર કાર ચઢાવી દીધી હતી. જોકે, આ ભયાનક અકસ્માતમાં બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
કાર નીચેથી નીકળીને બાળકી દોડવા લાગી
નોબલનગરના શિવ બંગલોઝના કોમન પ્લોટમાં આ બનાવ બન્યો હતો, જ્યારે ત્રણ વર્ષની બાળકી ત્યાં રમી રહી હતી. આ દરમિયાન એક સગીર યુવક કાર લઈને આવ્યો અને જોયા વિના જ બાળકી પર ગાડી ચઢાવી દીધી હતી. બાળકી કાર નીચે દબાઈ જતાં આસપાસના લોકોએ બૂમાબૂમ કરી હતી, જેથી કારચાલકે કાર ઊભી રાખી દીધી હતી..
આપણ વાચો: ગંભીરા પુલ દુર્ઘટનામાં 9 લોકોના કરૂણ મોત, રાજ્ય અને કેન્દ્ર સરકારે જાહેર કરી સહાય
કાર ઊભી રહ્યા બાદ બાળકી કોઈ પણ મોટી ઈજા વિના નીચેથી જાતે જ બહાર નીકળી અને તરત જ દોડવા લાગી હતી. બાળકીનો આ ચમત્કારિક બચાવ જોઈને સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી.
કારચાલક સગીરની પોલીસે કરી અટકાયત
જોકે, ઘટના બન્યા બાદ બાળકીનાં માતા-પિતા અને સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. ગુસ્સે ભરાયેલી બાળકીની માતાએ સગીર કારચાલકને ઠપકો પણ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં જી ડિવિઝન ટ્રાફિક-પોલીસ દ્વારા સગીર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની અટકાયત કરવામાં આવી છે.
જી ડિવિઝન ટ્રાફિક-પોલીસ સ્ટેશનના પીઆઇ વી.ડી. વાઘેલાએ જણાવ્યું હતું કે, કારના માલિકની તપાસ શરૂ કરવામાં આવી છે અને તેની સામે પણ ગુનો નોંધવામાં આવશે. આ ઉપરાંત, કાર પર નંબર પ્લેટ ન હોવાથી ફરિયાદમાં તેની કલમ પણ ઉમેરવામાં આવશે.



