હર્ષદ રીબડીયાએ હાઇ કોર્ટમાંથી પિટિશન પરત ખેંચતા વિસાવદર બેઠક પર પેટાચૂંટણીનો માર્ગ મોકળો | મુંબઈ સમાચાર
અમદાવાદ

હર્ષદ રીબડીયાએ હાઇ કોર્ટમાંથી પિટિશન પરત ખેંચતા વિસાવદર બેઠક પર પેટાચૂંટણીનો માર્ગ મોકળો

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની બે ખાલી બેઠક કડી અને વિસાવદર પર આગામી જૂન-જુલાઈમાં પેટાચૂંટણી યોજાવાની શક્યતા છે. કડી વિધાનસભા બેઠક ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના અવસાન બાદ ખાલી પડી હતી. જ્યારે વિસાવદર બેઠક હાઈકોર્ટમાં ચાલતી ચૂંટણી પિટિશનના કારણે અટકેલી હતી. હવે ભાજપના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ તેમની પિટિશન પરત ખેંચતા વિસાવદર બેઠક પર પેટાચૂંટણીનો માર્ગ મોકળો થયો છે.

શા માટે અટકી છે પેટાચૂંટણી?

વિસાવદર વિધાનસભા બેઠક પર 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા. ભાજપના હર્ષદ રીબડીયાએ તેમની વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેમાં ગેરરીતિના આરોપ લગાવવામાં આવ્યા હતા. આ પિટિશનને કારણે વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાઈ શકી નહોતી. જોકે, રીબડીયાએ પિટિશન પરત ખેંચતા ચૂંટણી પ્રક્રિયા માટેનો માર્ગ સાફ થયો છે. રાજકીય વલણો મુજબ, વિસાવદર બેઠક પર આગામી મહિનાઓમાં પેટાચૂંટણી જાહેર થઈ શકે છે.

આપણ વાંચો: 254 મતથી કેજરીવાલ આગળ, આપ-ભાજપ વચ્ચે જામ્યો છે જંગ સાથે મિલ્કીપુર પેટાચૂંટણી પરિણામ

કડી વિધાનસભા બેઠક

તે જ પ્રકારે કડી વિધાનસભા બેઠક ભાજપ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે અહીંના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના અવસાન બાદ પેટાચૂંટણી અનિવાર્ય બની છે. ગત ચૂંટણીમાં ભાજપ અહીંથી જીત્યું હતું. હવે આ બેઠક પર આગામી ચૂંટણીમાં કોનો પ્રભાવ રહેશે, તે જોવાનું રહેશે.

Back to top button