અમદાવાદમાં પત્નિને સહકર્મચારી સાથે જોઈને ઉશ્કેરાયેલા યુવકે હત્યા કરી નાંખી

દિવાળીના તહેવારની શરૂઆત વચ્ચે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં કાળીચૌદશની રાત્રે એક દુઃખદ ઘટના બની છે, જ્યાં અનૈતિક સંબંધની શંકાના કારણે એક યુવકની હત્યા થઈ છે. આ ઘટનાએ તહેવારના આનંદને માઠી અસર કરી છે અને પરિવારમાં શોકનું વાતાવરણ બનાવ્યું છે, જ્યારે પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકના એક મહિના પછી લગ્ન હતા, જે આ ઘટનાને વધુ કરુણ બનાવે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમરાઈવાડીમાં રહેતા વિનોદ મલ્હાએ તેની પત્ની નેહાને પરપુરુષ સાથે જોઈને આવેશમાં આવીને ગોપાલ નામના યુવક પર છરીના ઘા મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગોપાલ અને નેહા બંને મણિનગરમાં કેએફસીમાં સાથે કામ કરતા હતા અને તેઓ સારા મિત્રો હતા, જેના કારણે વિનોદના મનમાં શંકા ઊભી થઈ હતી. ઘટના બાદ વિનોદ ફરાર થઈ ગયો હતો, જ્યારે પોલીસે તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.
દિવાળીના તહેવારને કારણે ગોપાલ નેહાને મળવા તેના ઘરે ગયો હતો, જ્યાં તેઓ વાતો કરી રહ્યા હતા ત્યારે અચાનક વિનોદ આવી પહોંચ્યો. પત્નીને અન્ય પુરુષ સાથે જોઈને તે ગુસ્સાથી ભરાઈ ગયો અને તરત જ રસોડામાંથી છરી લઈને ગોપાલ પર હુમલો કરી દીધો. નેહાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિનોદનો ગુસ્સો એટલો વધી ગયો કે તેણે ગોપાલને ગળા અને પીઠ પર છરીના ઘા માર્યા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું.
મૃતક ગોપાલ તેની બહેન મોનિકા, માતા-પિતા સાથે ન્યૂ ભવાનીનગરમાં રહેતો હતો અને તે કેએફસીમાં મેનેજર તરીકે કામ કરતો હતો. તેની બહેન મોનિકાએ અમરાઈવાડી પોલીસમાં વિનોદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગોપાલની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે અને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આસપાસના લોકોની નિવેદન પણ નોંધ્યા હતા.
આ પણ વાંચો…જૂનાગઢમાં દિવાળીની રાત્રે ફટાકડાના વિવાદમાં યુવકની હત્યા, ત્રણની ધરપકડ