સગીરથી દારૂની હેરાફેરી કરાવીને પોલીસ બચવાનો બુટલેગરનો કીમિયો

અમદાવાદ: ભલે ગુજરાતમાં સરકાર દ્વારા દારૂબંધી હોવાના બણગાં ફૂંકવામા આવે પરંતુ ક્યાંક ને ક્યાંક જિલ્લામાંથી દારૂ મળી આવ્યાના કિસ્સા છાશવારે પ્રકાશિત થતાં રહે છે. પોલીસથી બચવા હવે બુટલેગરો પણ નિતનવા ઉપાય અજમાવી રહ્યા છે. અમદાવાદમાં બોડકદેવ પોલીસે દારુની હેરાફેરી પકડી પાડી છે. પોલીસે વિદેશી દારૂની 6 બોટલો સાથે એક્ટિવા પર જતાં એક સગીરને ઝડપી લીધો છે.
દારૂ વેંચવા માટે હવે બુટલેગરો નવા નવા કિમિયા અજમાવીને પોલીસની આંખમાં ધૂળ નાખીને દારૂની હેરાફેરીને સફળ બનાવતા હોય છે. ત્યારે અમદાવાદમાં બુટલેગરે દારૂની હેરાફેરી માટે નવો જ કીમિયો અપનાવ્યો છે. બોડકદેવ જેવા શહેરના પોશ વિસ્તારમાં સગીર દારૂની હોમ ડિલિવરી કરતો ઝડપાયો ત્યારે શહેરમાં ચાલતા રેકેટનો પર્દાફાશ થયો છે.
આ પણ વાંચો: સુરતના ‘ડાયમંડ બુર્સ’ને પણ મળી શકે છે દારૂબંધીમાં છૂટ છાટ;
પ્રાપ્ત વિગતો અનુસાર બોડકદેવ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નર્મદા આવાસ નજીક એક બાળક ટૂ-વ્હીલર પર જઈ રહ્યો હતો. જેથી પોલીસે તેની અટકાયત કરીને તલાશી લેતા તેની પાસેથી દારૂની બોટલો મળી આવી હતી. આ અંગે પૂછપરછ કરતાં અંકિત પરમારનું નામ સામે આવ્યું હતુ. અંકિત પરમારે આ બાળકને દારૂની ડિલિવરી કરવા માટે માસિક 8 હજાર રૂપિયાના પગાર પર રાખ્યો હતો. જ્યારે દારૂની એક બોટલની ડિલિવરી પર તે બાળકને 200 રૂપિયાનું કમિશન પણ આપતો હોવાનું જાણવા મળ્યું હતુ.
પોલીસે મુખ્ય દારૂના આરોપી અંકિત પરમાર સામે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અંગ્રેજી શરાબની દાણચોરી અને દારૂની હેરાફેરીમાં સગીરનો ઉપયોગ કરવા બદલ બે FIR નોંધી છે. પોલીસ ઈન્સ્પેક્ટરે આ કેસમાં જણાવ્યું છે કે, મુખ્ય દારૂની હેરાફેરી કરનાર અંકિતે બે સગીરોને અંગ્રેજી શરાબની બોટલો ઘરે પહોંચાડવા માટે રાખ્યા હતા.
દિવસ દરમિયાન 10 થી 7 અને સવારે 6 થી 12 દરમિયાન બે અલગ અલગ શિફ્ટમાં દારૂની હોમ ડિલિવરી કરવામાં આવી રહી હતી. મુખ્ય દારૂની હેરાફેરી કરનાર અંકિત પરમાર સામે અગાઉ પણ દારૂની હેરાફેરીના અનેક ગુના નોંધાયેલા છે.