ગુજરાત હાઈ કોર્ટ ફરી નિશાના પર?, બોમ્બની ધમકી મળતા પોલીસ દોડતી થઈ!

અમદાવાદઃ ગુજરાતમાં બોમ્બની ધમકી આપતા ઇ-મેલ આવ્યા હોવાની ઘટના છેલ્લા ઘણાં સમયથી વધી રહી છે. શાળા, કોલેજ અને ગુજરાત હાઈ કોર્ટને અનેક વખત આવા ઇ-મેલ મળ્યાં છે. ત્યારે ફરી ગુજરાત હાઈ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇ-મેલ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. બોમ્બની ધમકી મળતાની સાથે જ ગુજરાત હાઈ કોર્ટના રજિસ્ટ્રારે સોલા પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુજરાત હાઈ કોર્ટમાં આવીને તપાસ શરૂ કરી દીધી છે.
ચોથી વાર હાઈ કોર્ટને મળ્યો ધમકીભર્યો ઇ-મેલ
ગુજરાત હાઈ કોર્ટને છેલ્લા ત્રણ મહિનામાં આ ચોથી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇ-મેલ મળ્યો છે. આ પહેલા પણ ત્રણ વખત આવી ધમકી મળી હતી. પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી, પરંતુ પરિસરમાંથી કંઈ શંકાસ્પદ મળ્યું નહોતું. આજે પણ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા બોમ્બની ધમકી આપતો ઇ-મેલ મોકવામાં આવ્યો છે હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બોમ્બની ધમકીનો ઇ-મેલ મળ્યો છે, જેથી પોલીસ તપાસ કરી રહી છે. એટલું જ નહીં પરંતુ અત્યારે હાઈ કોર્ટની કાર્યવાહી રાબેતા મુજબ ચાલતી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
કોણ ગુજરાત પોલીસને પડકાર ફેંકી રહ્યું છે?
ગુજરાત હાઈ કોર્ટને આ પહેલા 9મી જૂને અને 20મી ઓગસ્ટે પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ મળ્યો હતો. તે વખતે પણ પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. હાઈ કોર્ટમાં સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કંઈ મળ્યું નહોતું. હવે પ્રશ્ન એ થાય છે કે, કોણ આવી રીતે વારંવાર બોમ્બની ધમકી આપીને ગુજરાત પોલીસને પડકાર ફેંકી રહ્યું છે? મહત્વની વાત એ છે કે, હાઈ કોર્ટ સાથે ગુજરાતની કેટલીક શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જો કે, તેમાં પણ પોલીસને કંઈ શંકાસ્પદ મળ્યું નહોતું.
આપણ વાંચો: વડોદરામાં ફરજિયાત હેલ્મેટ મુદ્દે ટ્રાફિક પોલીસ કરશે પીછેહઠ, કેમ આપ્યું 15 દિવસનું એક્સ્ટેન્શન?