અમદાવાદમાં નવું કતલખાનું બનાવવાની દરખાસ્ત અંતે ભાજપ શાસકોએ પાછી ખેંચી

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ગઈકાલે 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું હતું. જેમાં 32 કરોડના ખર્ચે જૂનું કતલખાનું બંધ કરીને નવું બનાવવાની યોજના હતી. જોકે એલિસબ્રિજના ધારાસભ્ય અને શહેરના પૂર્વ મેયર અમિત શાહે તેનો વિરોધ કર્યો હતો. કતલખાનાને લઈ ધીમે ધીમે વિરોધ થઈ રહ્યો હતો. જેને લઈ આખરે તંત્રએ નવું કતલખાનું બનાવવાની દરખાસ્ત ભાજપ શાસકોએ પાછી ખેંચી હતી.
ડ્રાફ્ટ બજેટની વિગત મુજબ શહેરના દક્ષિણ ઝોનમાં શાહવાડી-બહેરામપુરામાં ટીપી 32 ખાતે કતલખાનું બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેના માટે 32 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. આ માટે 15882.13 સ્કવેર મીટરની જમીનની ફાળવણી કરવામાં આવી હતી. સ્લોટર હાઉસમાં પશુઓને રાખવા માટે સુવિધાયુક્ત વાડા ઉપરાંત કૂલિંગ તથા ચીલીંગ ફેસેલિટી, રેન્ડરિંગ પ્લાન્ટ સહિતની ફેસેલિટી ઉભી કરવાની પણ યોજના હતી. જોકે બજેટમાં આ જાહેરાત થતાં જ વિરોધનો સૂર ઉઠવા પામ્યો હતો.
ધારાસભ્ય અમિત શાહે કહ્યું હતું કે, જમલાપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા છેલ્લા 3 મહિનાથી કતલખાનું બંધ કરી પાર્ટી પ્લોટ બનાવવાની રજૂઆત કરતા હતા. કતલખાનું બનાવવાની જાહેરાત સામે મારો વિરોધ છે. હું મેયર હતો ત્યારે પીપળજ ગામમાં ખસેડવાની દરખાસ્ત કેન્દ્ર સરકારમાં આવી હતી તે પણ ફગાવી દેવામાં આવી હતી.
ડ્રાફ્ટ બજેટ મુજબ શહેરમાં 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત કુલ 11 સ્પોર્ટ્સ કોમ્પલેક્સ તૈયાર કરાશે. બોપલ રિંગ રોડથી ઘુમા, નહેરુનગરથી શિવરંજની થઈ સેટેલાઇટ રામદેવ નગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરિડોર બનાવાશે. આ ઉપરાંત એલિવેટેડ કોરિડોર અને ત્રણ નવા ફ્લાયઓવર તેમજ પાંચ રેલવે ઓવરબ્રિજ અને ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનશે.
આપણ વાંચો: ધોળકા-બગોદરા હાઈવે ફરી રક્તરંજિત, અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત



