ભાજપની ઓનલાઈન બેઠકમાં ‘પીળું પીણું’ પીતા દેખાયા નેતા: સવાલ ઉઠતા કર્યો આવો ખુલાસો

અમદાવાદ: દારૂબંધી ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. તેમ છતાં રાજ્યમાં ઘણીવાર દારૂના નશાની હાલતમાં લોકો પકડાય છે. ઘણા લોકો દારૂ પીતા હોય એવા વીડિયો પણ વાયરલ થાય છે. તાજેતરમાં ભાજપના એક નેતા પણ પીળા રંગનું પીણું પીતા પકડાયા હતા. જે દારૂં જેવો નશીલો પદાર્થ હોવાની લોકોને આશંકા ગઈ હતી. પોતાના આ વીડિયોને લઈને ભાજપના નેતાએ ખુલાસો આપ્યો છે.
લોકોને ગેરસમજ થઈ
31 ઓક્ટોબર, 2025ને ‘સરદાર જયંતિ’ના રોજ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની તૈયારી માટે અમદાવાદ શહેર ભાજપ દ્વારા એક ઓનલાઈન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલા સહિતના લોકો હાજર રહ્યા હતા. જોકે, આ બેઠકમાં એક એવી વસ્તુ જોવા મળી હતી, જેને લઈને ઓનલાઈન બેઠકમાં હાજર લોકો ચોંકી ગયા હતા.
અમદાવાદ શહેર ભાજપની ઓનલાઈન બેઠકમાં નરોડા વોર્ડના પ્રભારી દશરથ પટેલ કાચના મગમાં પીળા રંગનું પીણું પીતા નજરે પડ્યા હતા. જેને લઈને શહેર ભાજપના મહામંત્રી જીતુ પટેલે ફોન કરીને તેમની પાસે આ અંગે જવાબ માંગ્યો હતો. ત્યારે દશરથ પટેલે તે પીણું ગ્રીન ટી હોવાનું કહ્યું હતું.
સેવક પાસે ગ્રીન ટી મંગાવી હતી
પીળા પીણા અંગે ખુલાસો કરતા દશરથ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, “ઓનલાઈન બેઠક 3 વાગ્યે શરૂ થવાની હતી. પરંતુ બેઠક શરૂ થવામાં વાર લાગી હતી. તેથી મેં મારા સેવક પાસે ગ્રીન ટી મંગાવી હતી. જેને જોઈને લોકોને ગેરસમજ થઈ હોય એવું લાગી રહ્યું છે.”
ઉલ્લેખનીય છે કે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આજે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નારણપુરાની સરદાર કોલોની ખાતેની સરદાર પટેલની પ્રતિમા પાસેથી સવારે 7 વાગ્યે યુનિટી માર્ચને લીલી ઝંડી બતાવી હતી. આ યુનિટી માર્ચ સરદાર પટેલ સ્ટેડિયમ રોડ, સી.જી. રોડ થઈને પસાર થઈ હતી. જેની આશ્રમ રોડના ઇન્કમ ટેક્સ પાસે આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે પૂર્ણાહૂતિ થઈ હતી.
 
 
 
 


