અમદાવાદ

મોદી પરના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે ભાજપ ‘આક્રમક’: જિગ્નેશ મેવાણી પાસે બિનશરતી માફીની માંગણી કરી

અમદાવાદ: વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં જિગ્નેશ મેવાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે પીએમ મોદીને વડનગરની માટીમાંથી પેદા થયેલા ભારત ભૂમિના સૌથી મોટા જૂઠ્ઠા કહ્યા હતા. આ ઉપરાંત, મેવાણીએ કહ્યું હતું કે જે વડનગરનો વિકાસ ન કરી શક્યો તે વિશ્વગુરુ થવા પ્રયાસ કરે છે.

મેવાણીના આ નિવેદન બાદ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમ ગેડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મેવાણીના નિવેદનને સંસ્કારહીન ગણાવ્યું હતું તેમ જ બિનશરતી માફીની માંગણી કરી હતી.

મેવાણીએ પીએમ મોદીનું અપમાન કર્યું છે. પીએમનું અપમાન એ ઉત્તર ગુજરાતનું અપમાન છે. મેવાણીએ ડો. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

આપણ વાચો: દિલ્હી પોલીસે બંગાળીને બાંગ્લાદેશી ભાષા ગણાવતા મમતા બેનર્જી લાલધૂમ; જાણો શું કહ્યું

મેવાણીએ નિમ્ન કક્ષાની ભાષા વાપરી

ભાજપના એસસી (અનુસૂચિત જાતિ) મોરચાના પ્રમુખ ગૌતમ ગેડિયાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) પર વાણી વિલાસનો આરોપ લગાવ્યો હતો. તેમણે ખાસ કરીને જિગ્નેશ મેવાણીના નિવેદનને વખોડતા કહ્યું હતું મેવાણી દ્વારા વડા પ્રધાન માટે જે વાણી વિલાસ કરાયો છે, તે ગુજરાતના સંસ્કારની ભાષા ના હોઈ શકે.

આ નિવેદન વેરઝેરના શબ્દોથી નફરતની રાજનીતિ શરૂ કરે છે. મેવાણીનું નિવેદન એ બક્ષીપંચ સમાજનું અપમાન છે અને સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે, કારણ કે તેમણે વડા પ્રધાનની માતા માટે નિમ્ન કક્ષાની ભાષા વાપરી છે.

આપણ વાચો: મુખ્ય મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે ભાષા વિવાદ ઉભો કરાયો: પૃથ્વીરાજ ચવ્હાણ…

મેવાણી કરે છે ‘તાયફાની રાજનીતિ’

ગૌતમ ગેડિયાએ કહ્યું, આ નિવેદન બદલ જિગ્નેશ મેવાણીએ તાત્કાલિક માફી માંગવી જોઈએ. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી જિગ્નેશ મેવાણી માફી માગે નહીં, ત્યાં સુધી અનુસૂચિત જાતિ મોરચો વિવિધ કાર્યક્રમો આપશે.

તેમણે મેવાણી પર ‘તાયફાની રાજનીતિ’ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે દારૂ જેવા મુદ્દા વિધાનસભા જેવા યોગ્ય ફોરમ પર ઉઠાવવા જોઈએ. તેમણે કહ્યું હતું કે મેવાણી માત્ર મુસ્લિમ તુષ્ટિકરણની વાતો કરે છે. જિજ્ઞેશ મેવાણીએ માત્ર નફરત ફેલાવવાનું કામ કર્યું છે. મેવાણીએ ગુજરાતમાં નફરતની રાજનીતિ શરૂ કરી છે

ભાજપ એસસી મોરચા દ્વારા જિગ્નેશ મેવાણી પાસે માફી માંગવાની માંગણી બાદ કોંગ્રેસે તેના પર વળતો પ્રહાર કર્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે ભાજપ એસસી મોરચાની જાહેરાત અંગે પ્રતિક્રિયા આપી હતી. હિરેન બેંકરે કટાક્ષ કર્યો કે કોરાણે મુકાયેલ ભાજપ SC મોરચો આજે જાગ્યો એ સારી બાબત છે.

દલિત પર અત્યાચાર થયા ત્યારે આ મોરચો કેમ ચૂપ હતો? તેમણે પ્રશ્ન કર્યો કે નિષ્ફળ અને નિષ્ક્રિય મોરચાને હવે બ્રહ્મજ્ઞાન કેમ આવ્યું, જ્યારે ભાજપના સાંસદ મનસુખ વસાવા દલિત અને આદિવાસી સમાજના નેતાઓને અપમાનિત કરે છે ત્યારે મોરચો કેમ ચૂપ રહે છે?

આપણ વાચો: કોંકણી લોકો વિશે અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ મુનાવર ફારુકીએ માફી માંગી

થોડા દિવસ પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મેવાણીએ નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા હતા અને ‘નથિંગ લેસ ધેન ધેટ’ કહીને તેમના રાજીનામાની માંગણી કરી હતી. એટલું જ નહીં, મેવાણીએ રાજ્યના વડા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની આ મુદ્દે લાંબી ચુપકીદી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું છે કે તેમનું પેટનું પાણી કેમ હાલતું નથી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button