પોખરામાં ફસાયેલા ભાવનગરના પ્રવાસીઓ સુરક્ષિત ભારત પહોંચ્યા

અમદાવાદઃ નેપાળમાં ફાટી નિકળેલી હિંસાને લીધે ભારતના ઘણા નાગરિકો ફાસાયા હોવાના વીડિયો વાયરલ થયા હતા. ગઈકાલે ઉપાસના ગીલ નામની એક યુવતીનો વીડિયો ભારે વાયરલ થયો હતો, જેમાં તેણે અહીંની વરવી સ્થિતિની વાત કરી હતી અને ભારતીય સરકારને મદદ માટે અપીલ કરી હતી. તે અગાઉ સવારે ભાવનગરના પ્રવાસીઓનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ પોખરામાં ફસાયા હોવાનો અને અહીંથી ભારત આવવા મદદની જરૂર હોવાનું જણાવ્યું હતું.
નેપાળમાં ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ સહિતના પ્રશ્નોને લઈ યુવાનોએ જનરેશન-ઝેડ નામે આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલને બીજા દિવસથી ભારે હિંસક બની જતા પશુપતિનાથ અને અન્ય ધાર્મિક સ્થળોએ યાત્રામાં ગયેલા ભાવનગર જિલ્લાના પ્રવાસીઓ ફસાયા હતા. જેઓ હવે પોખરાથી સલામત ભારત પહોંચી જતાં યાત્રિકો અને તેમના પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો.
આ પ્રવાસીઓમાં નારી ગામ, સિહોર, વરતેજ સહિતના ગામોમાંથી કુલ ૩૬ પ્રવાસી, રસૌયા, મળી કુલ ૪૩થી વધુ લોકો મંગળવારે નેપાળમાં ફાટી નીકળેલા તોફાનના કારણે પોખરાની એક હોટલમાં ફસાયા હતા. માઁ ટૂર એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજીત પ્રવાસમાં મોટાભાગના સિનિયર સિટિઝન હોવાથી તેઓ ગભરાયા હતા જ્યારે અહીં પરિવારો પણ ચિંતામાં સરી પડ્યા હતા. દરમિયાનમાં ભાવનગરના રાજકીય નેતાઓ, સ્થાનિક વહીવટી તંત્રએ તેમનો સંપર્ક કરી વહેલી તકે નેપાળમાંથી બહાર કાઢવા આશ્વાસન આપ્યું હતું. ગઈકાલ સવારથી જ તેમના સમાચારો વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું હતું, પરંતુ સવારે નેટવર્ક ઈસ્યુના કારણે તેમનો સંપર્ક સંપર્ક થઈ શક્યો ન હતો. બપોરે બાદ સંપર્ક થતાં તેઓ ટુરિસ્ટ બસમાં જ બેસી પોખરાથી નીકળી ગયા હતા અને રાત્રિ સુધીમાં ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે સુરક્ષિત રીતે પહોંચ્યા હોવાનું જિલ્લા વહીવટી તંત્ર તરફથી સત્તાવાર રીતે જણાવાયું છે. હવે તેઓ અહીંથી ગુજરાત આવવા રવાના થશે.
નેપાળમાં પર્યટન અર્થે હજારો ભારતીયો વર્ષ દરમિયાન જાય છે, પરંતુ આવી આંધાધૂંધીવાળી પરિસ્થિતિએ દેશના ટૂરિઝમને પણ ધક્કો આપ્યો છે.
આપણ વાંચો: નેપાળમાં 13,000 કેદીઓ જેલમાંથી ભાગી છૂટ્યા, સેનાના ગોળીબારમાં 5 કિશોર સહીત 7ના મોત