અમદાવાદ

મનસુખ વસાવાનો ‘લેટર બોમ્બ’: નેતાઓ પ્રજાને બદલે કોન્ટ્રાક્ટના કામમાં રહે છે વધુ રચ્યાપચ્યાં

અમદાવાદઃ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતા ગુજરાત ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો ફરી એક વખત ‘લેટર બોમ્બ‘ સામે આવ્યો છે. મુખ્યમંત્રીને લખેલા લેખિત પત્રમાં તેમણે નેતાઓ પ્રજાની સેવા કરવાના બદલે કોન્ટ્રાક્ટના કામોમાં વધારે રસ લઈ રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. ઉપરાંત અનુભવી એજન્સીઓના બદલે નેતાઓની કે તેમની નજીકની એજન્સીઓના ટેન્ડર મંજૂર થતા હોવાનું પણ જણાવ્યું છે.

લેટર મુજબ મનરેગા ૨૦૨૪-૨૫ ટેન્ડર પ્રક્રિયામાં મોડેલ ટેન્ડરના નિયમોમાં ફેરફાર કરવા બાબતે તથા પારદર્શિતા રહે, જેથી ગરીબો ને રોજગારી મળે તે હેતુથી તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો.

આપણ વાંચો: ગેરકાયદે કામ માટે મંત્રીનું દબાણ, મુખ્ય પ્રધાનને લખ્યો લેટર બોમ્બ

પત્રમાં તેમણે લખ્યું હતું કે ગુજરાત રાજ્યમાં અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી પોતાના માનીતાઓને, સગાઓની એજન્સીના જ ટેન્ડર મંજૂર થાય તે મુજબ ખૂબ જ સમજદારીપૂર્વક ગોઠવણ કરવામાં આવે છે. નેતાઓ પ્રજાની સેવા કરવાને બદલે કોન્ટ્રાક્ટના કામમાં વધારે રસ લઈ રહ્યા છે. જેના કારણે કામોમાં પણ ગુણવત્તા જળવાતી નથી અને તેમાં સરકારની છબિ વધુ ખરડાય છે.

બીજી બાજુ મનરેગા (Mahatma Gandhi National Rural Employment Guarantee Act)ના કામકાજમાં તમામ જિલ્લામાં સરકાર દ્વારા આપેલા મોડેલ ટેન્ડર મુજબ જ બહાર પાડે છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં નિયમોમાં ફેરફાર કરી ચેડા કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે, જે ખરેખર ખોટું છે. મનરેગામાં કામ કરેલી અનુભવી એજન્સીના બદલે નેતાઓની અથવા તેમના નજીકનાઓની એજન્સીના ટેન્ડર મંજુર થાય તે મુજબ અધિકારીઓ કામ કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button