Top Newsઅમદાવાદ

અમદાવાદ રિવરફ્રન્ટ પર શ્રમિક આક્રોશ રેલી: હજારો શ્રમિકોના આંદોલનની સરકાર પર ચીમકી…

ભારતીય મજદૂર સંઘ દ્વારા પગાર વધારો, કાયમીકરણ અને પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે વિશાળ જનસભાનું આયોજન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં ભારતીય મજદૂર સંઘ દ્વારા મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં રિવરફ્રન્ટ ખાતે શ્રમિકો એકત્રિત થયાં છે. એટલું જ નહીં પરંતુ સરકાર દ્વારા જ્યા સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ શ્રમિક આક્રોશ રેલી યથાવત રહેશે તેવું પણ આ લોકોએ જણાવ્યું હતું. શ્રમિકોના લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે આજે ભારતીય મજદૂર સંઘ દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ‘શ્રમિક આક્રોશ રેલી’નું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. ‘મુંબઈ સમાચાર’ની ટીમે અહીં જઈને લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. તો ચાલો જોઈએ મુંબઈ સમાચારનો સંપૂર્ણ અહેવાલ…

પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં આ ‘આક્રોશ રેલી’ યોજી

રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ શ્રમિક આક્રોશ રેલીમાં મુંબઈ સમાચારની ટીમ પહોંચી હતી. પગાર વધારા મુદ્દે હાઇ કોર્ટના આદેશનું પાલન ન થતાં આંગણવાડી બહેનોએ પણ આંદોલનની ચીમકી આપી છે. મુંબઈ સમાચાર સાથે વાત કરતા ભારતીય મજદૂર સંઘના અધિકારીએ જણાવ્યું કે, આશા વર્કરો, એસટી કર્મચારીઓ, બાંધકામ શ્રમિકો અને અન્ય ક્ષેત્રોના કામદારોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં આ ‘આક્રોશ રેલી’ યોજવામાં આવી છે. આ રેલીમાં રાજ્યભરમાંથી હજારો કર્મચારીઓ અને શ્રમિકો ઉમટી પડ્યા છે.

તમામ યુનિયનો પોતપોતાનાં સંગઠનો સાથે રિવરફ્રન્ટ પર પહોચ્યાં છે. લોકોનું કહેવું છે કે, આ પહેલા નાની નાની રેલીસ્વરૂપે પોતાની માગણીઓને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ ઉકેલ ના આવતા અત્યારે આ સંગઠનો હવે મહાસંમેલન માટે પહોંચી રહ્યાં છે. આ દરમિયાન એસટી મજૂર સંઘના લોકો પણ આવ્યાં હતાં. આ લોકોનું કહેવું છે કે, તેમને ગ્રેડેશનનો કોઈ લાભ મળતો નથી. પગારમાં પણ ઘણી બધી વિસંગતતાઓ છે. સિનિયર અને જુનિયરના કોઈ તફાવર નથી રહ્યાં તેનો પણ પ્રશ્ન છે. આ સાથે પેન્શન અને સેટલમેન્ટના પ્રશ્નો આવી રહ્યાં છે, જેનો કોઈ ઉકેલ આવતો નથી. આ દરેક પ્રશ્નો માટે લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કોઈ ઉકેલ ના આવ્યો હોવાના કારણે આ લોકો મહાસંમેલનમાં આવ્યાં છે.

મધ્યાહન ભોજન વિભાગે શું માંગણી કરી?

આ શ્રમિક આક્રોશ રેલીમાં મધ્યાહન ભોજન વિભાગના લોકો પણ આવ્યાં છે. અહીં આવેલા ગિરીશભાઈ વણકરે જણાવ્યું કે, અમારા પ્રશ્નો એવા છે કે, જે 72 તાલુકાઓમાં એનડીઓ પ્રથા છે તે રદ્દ થવી જોઈએ. બીજો પ્રશ્ન એ છે કે, મધ્યાહન ભોજનમાં ચાલતા સંચાલકો, રસોઈયા અને મદદનીશો છે તેમનું વેતન ખૂબ જ ઓછું છે. આ લોકોને પણ શ્રમ અને રોજગાર મુજબ મળવું જોઈએ એ આપવું જોઈએ. મધ્યાહન ભોજનમાં અત્યારે સંચાલકોને 4500 રૂપિયા, રસોઈયા અને મદદનીશને માત્ર 3700 રૂપિયા મળે છે. જેમાં હવે વધારો થવો જોઈએ અને તેમને કાયમી કરી દેવાની માંગણી કરવામાં આવી હતી.

અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી

અન્ય પણ અનેક વિભાગનો લોકો પોતાની માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યાં છે. છેલ્લા 10 વર્ષથી લેખિત અને મૌખિક રીતે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ હજૂ સુધી કોઈ ઉકેલ આવ્યો ના હોવાથી આ શ્રમિક આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોટાભાગના વિભાગોની એવી માંગણી છે કે, તેમને લઘુતમ વેતન પ્રમાણે પણ પગાલ આપવામાં આવતો નથી.

કાયમી કરીને પગાર વધારાનો અમલ કરવાની માંગ

આ દરમિયાન આંગણવાડીની બહેનો પણ આ મહાસભામાં આવી હતી. આ લોકોએ કહ્યું કે, કોર્ટ દ્વારા પગાર વધારા માટે ચુકાદો આપી દેવામાં આવ્યો છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. આંગણવાડીની બહેનો અત્યારે ખૂબ ઓછા પગારમાં કામ કરે છે તો તેમને કાયમી કરવા અને પગાર વધારાનો અમલ કરવાની માંગણીઓ સાથે આ બહેનો શ્રમિક આક્રોશ રેલીમાં આવી હતી. અહીં આવેલા દરેક લોકોની માત્ર એક જ માંગણી છે કે, પહેલા અમારી માંગણીઓ સ્વીકારવામાં આવે ત્યાર બાદ આ રેલી બંધ કરવામાં આવશે.

CM સહિત તમામ પ્રધાનોને આવેદનપત્ર આપવામાં આવશે

ભારતીય મજદૂર સંઘ દ્વારા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ પ્રધાનોને આવેદનપત્ર આપવામાં આવશે. જો સરકારની આંખ નહીં ખુલે તો શ્રમિકોનો આક્રોશ મોટું સ્વરૂપ ધારણ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. હવે જોવાનું એ રહે છે કે, આ મામલે સરકાર દ્વારા શું પગલા લેવામાં આવે છે. શું સરકાર દ્વારા ભારતીય મજદૂર સંઘની માંગણીઓનો સ્વીકાર કરવામાં આવશે કે કેમ? તે ચર્ચાનો વિષય રહેશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button