બાંગ્લાદેશની કટોકટીઃ હાલમાં નુકસાન અને ચિંતા, પણ ભવિષ્યમાં લાભની શક્યતા

અમદાવાદઃ વિશ્વના કોઈપણ ખૂણે જ્યારે અરાજકતા ફાટે ત્યારે તેની અસર અને પરિણામો આખા વિશ્વએ ભોગવવા પડે છે. ખાસ કરીને જે દેશો સાથે આપણે આર્થિક વ્યવહાર કરતા હોઈએ, વેપાર ધંધા વિકસેલા હોય તેવા દેશોની રાજકીય અસ્થિરતા કે કુદરતી આફતો બધા દેશોમાં ચિંતા ઊભી કરે છે. આવું જ હાલમાં થયું છે. બાંગ્લાદેશમાં ઊભી થયેલી રાજકીય ઉથલપાથલ અને હિંસાના વાાવરણને લીધે આખા દેશના વેપારીઓ ચિંતામાં છે, જેમાં ગુજરાતના વેપારીઓ ખાસ દ્વીધા અનુભવી રહ્યા છે.
બાંગ્લાદેશના રાજકીય સંકટ અને કટોકટીના કારણે ગુજરાતની નિકાસ માર્કેટ પર મોટી અસર થઈ રહી છે. ટેકસટાઈલ ઉદ્યોગ, કોટન માર્કેટ સાથે ઓલ સ્પાઈસ (મસાલા)પર વધુ અસર થઈ રહી છે. દેશમાંથી દર વર્ષે 9 હજાર કરોડના મરી-મસાલાની નિકાસ બાંગ્લાદેશમાં કરવામાં આવે છે, જેમાં મરચું, હળદર, જીરુ, તલ, ઇસબગુલનો સમાવેશ થાય છે. જેમાં જીરુ, તલ અને ઇસબગૂલના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ગુજરાત સૌથી મોખરે છે. ગુજરાતમાંથી દર વર્ષે લગભગ 2500થી 3000 કરોડનું જીરું, તલ અને ઇસબગૂલની નિકાસ બાંગ્લાદેશમાં કરવામાં આવે છે. મસાલા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ જણાવે છે કે ભારત બાંગ્લાદેશ સાથે વર્ષોથી મસાલાની આયાત નિકાસ કરે છે. ભારત સાથે બાંગ્લાદેશ રૂ. 16 અબજ ડોલરનો વેપાર છે. જેમાં 14 બિલિયન ડોલર જેટલીની વિવિધ વસ્તુઓની નિકાસ થાય છે, જ્યારે માત્ર બે બિલિયન ડોલરની આયાત બાંગ્લાદેશથી કરવામાં આવે છે. હાલ જે બાંગ્લાદેશના પરિસ્થિતિ ચાલી રહી છે તેના પગલે નિકાસ બંધ થતા તેજી અટકી છે.
દર વર્ષે બાંગ્લાદેશ સાથે આપણે મસાલાનો વેપાર 9000 કરોડ જેટલો છે. અને દર વર્ષે વધતો જાય છે, પરંતુ છેલ્લા 15થી વધુ દિવસથી બાંગ્લાદેશના વેપારીઓ દ્વારા ધીમે ધીમે ઓર્ડર મળવાના ઓછા થતાં કંઈક નવાજૂની ચાલી રહી છે એમ લાગી રહ્યું હતું, પરંતુ હાલમાં જે સ્થિતિ સર્જાઈ છે એને કારણે લગભગ 40થી 50 દેશના માલ સામાન પોર્ટ પર અટવાઈ ગયા છે. જ્યારે 150થી વધુ ટ્રક, જે રસ્તા મારફત બાંગ્લાદેશ પહોંચી રહી હતી એ બાંગ્લાદેશની અંદર પ્રવેશી શકી નહિ, કારણ કે કસ્ટમ દ્વારા એને બાંગ્લાદેશની હદની બહાર જ રોકી લેવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસ સુધી મહારાષ્ટ્રની સેન્ટ્રલ બેન્ક પણ બંધ છે, જેથી ટ્રાન્ઝેક્શન ક્લિયરન્સ પણ થઈ શકતાં નથી. હાલમાં તમામ આયાત-નિકાસ બંધ છે, તેમ વેપારીઓએ જણાવ્યું હતું .
આ પણ વાંચો : “હસીનાને ભારતમાં શરણ મળવાથી બાંગ્લાદેશમાં પરિસ્થિતિ બગડવી સ્વાભાવિક” ખાલીદા જિયાની પાર્ટીનું નિવેદન
ભારતને આ સ્થિતિનો લાભ આ રીતે મળવાની શક્યતા
વેપાર-ઉદ્યોગના વિકાસ માટે કોઈ પણ દેશમાં રાજકીય સ્થિરતા ખૂબ જ જરૂરી છે, કારણ કે દેશમાં રાજકીય સ્થિરતા હોય તો જ રોકાણકારને વિશ્વાસ જાગે છે અને તે સુરક્ષિત હોવાનું અનુભવે છે. બાકી પોતે રોકેલા નાણાં અટકી પડશે તેવા ડરથી તે રોકાણ કરવાનું માંડી વાળે છે.
બાંગ્લાદેશ સાથે અન્ય દેશો જેમ કે યુરોપિયન કન્ટ્રી, વિયેતનામ વગેરે ખૂબ મોટા પ્રમાણમાં બાંગ્લાદેશથી ગાર્મેન્ટ ઈમ્પોર્ટ કરે છે. બાંગ્લાદેશમાં કટોકટીના કારણે હવે ભવિષ્યમાં વેપાર કરતા દેશો અન્ય કોઈ વિકલ્પ શોધશે અને એ વિકલ્પ ભારત પણ બની શકે. ભારતના વિવિધ રાજ્યોના ઉત્પાદનો અન્ય દેશને મોકલી શકાય છે.
નિષ્ણાતોના મતે બગ્લાદેશનું અર્થતંત્ર સંપુર્ણ પણે ભારત પર નિર્ભર છે તેથી તેઓને ભારતીય વસ્તુઓ પર પ્રતિબંધ મુકવો પોષાશે નહી. અત્યારે બાંગ્લાદેશમાં જે અરાજકતાની સ્થિતિ છે એને કારણે વિશ્વના દેશો જે બાંગ્લાદેશમાંથી ઇમ્પોર્ટ કરે છે તેઓ ભારત તરફ આવી શકે છે. લાંબા ગાળે આ બાબત ભારતના ઉદ્યોગ માટે લાભકારક પુરવાર થઈ શકે છે.