શું તમે જાણો છો બાબાસાહેબનું પહેલું જીવનચરિત્ર ગુજરાતીમાં લખાયું હતું? જાણો કેમ આ પુસ્તક ખાસ છે

અમદવાદ: ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની આજે 134મી જન્મજયંતિ (Baba Saheb Ambedkar Jayanti) છે, જેની દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. સંઘર્ષોથી ભરેલા જીવન છતાં બાબાસાહેબે જ્વલંત સિદ્ધિઓ મેળવી હતી, તેમણે દેશના પછાત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગને આત્મવિશ્વાસ અને ગૌરવ સાથે આગળ વધવા હિંમત આપી. તેમની જીવન, વિચારો અને કર્યો વિષે વાંચીને યુવાનોને દેશ અને સમાજમાં સકારાત્મ બદલાવ લાવવા પ્રયત્નશીલ રહેવા પ્રેરણા મળતી રહે છે.
દુનિયામાં બાબાસાહેબ વિશે ઘણા પુસ્તકો લખાયા અને ફિલ્મો બની છે. પરંતુ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે કે એ છે કે બાબાસાહેબનું પહેલું જીવનચરિત્ર ગુજરાતી ભાષામાં લખાયું હતું. એક ઐતિહાસિક પુસ્તક 28 ઓગસ્ટ 1940 ના રોજ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયું હતું.
ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે કે 1940માં એક ગુજરાતી પુસ્તક દ્વારા બાબાસાહેબના બૌદ્ધિક જીવનને સમજવાનો અને તેને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ જીવનચરિત્ર તેમના જીવનકાળ દરમિયાન લખાયેલું પહેલું પુસ્તક હતું.
કોણે શરુ કર્યું હતું અભિયાન?
એક અહેવાલમાં કરવામાં આવેલા દાવા મુજબ, અનુસૂચિત જાતિ સંગઠન સાથે સંકળાયેલા ગુજરાતના આગેવાન કરસનદાસ લેઉવાએ સૌ પ્રથમ બાબાસાહેબનું જીવનચરિત્ર લખવાની યોજના બનાવી હતી. તેમણે એવા લેખકની શોધ આદરી હતી જે બાબા સાહેબના વિચારોને સમજી શકે. એવામાં તેઓ યુ.એમ. સોલંકીને મળ્યા જેઓ આંબેડકરના વિચારો સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા હતા. યુએમ સોલંકી વ્યાવસાયિક લેખક નહોતા પણ આંબેડકરના ભાષણો અને લખાણોથી પરિચિત હતા.
પુસ્તક હાથથી લખવામાં આવ્યું:
યુએમ સોલંકી અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓ જાણતા હતાં. તેમણે બાબા સાહેબનું જીવનચરિત્ર ગુજરાતી ભાષામાં પોતાના હાથે લખ્યું હતું. કરશનદાસ લેઉવાએ પ્રસ્તાવનામાં લખ્યું છે કે ગુજરાતના લોકો આંબેડકર વિશે બહુ ઓછું જાણે છે, તેથી આ પુસ્તક દ્વારા તેમને જાણવાની તક મળશે.
પ્રકાશન માટે સંઘર્ષ કરવો પડ્યો:
પુસ્તક તો લખાઈ ગયું પણ ઓછા સંસાધનો સાથે તેને પ્રકાશિત કરવું એ મોટો પડકારો હતો. અહેવાલ મુજબ કાનજીભાઈ દવેએ થોડી આર્થિક મદદ કરી પણ આખરે કરશનદાસ લેઉવાએ પ્રકાશનની જવાબદારી સ્વીકારી. આખરે અમદાવાદના દરિયાપુરમાં આવેલા મહા ગુજરાત દલિત નવ યુવક મંડળ દ્વારા બાબા સાહેબના જીવન વિષે પ્રથમ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું. આ પુસ્તક મન્સૂર પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે પુસ્તકની કિંમત છાપવામાં આવી ન હતી, કિંમતની જગ્યાએ ‘અનમોલ’ લખવામાં આવ્યું હતું.
આ પુસ્તક કેમ ખાસ છે?
આ પુસ્તકમાં વર્ષ 1940 સુધીના આંબેડકરના જીવનની મહત્વની ઘટનાઓનો ઉલ્લેખ છે. પુસ્તકમાં બાબા સાહેબના શિક્ષણ, સામાજિક ચળવળો, વિદેશ પ્રવાસો અને લાહોરના જાતિ-ભંગ મંડળ પ્રકરણ જેવી ઘણી ઘટનાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ જીવનચરિત્રમાં, મહાત્મા ગાંધી સાથેના તેમના વૈચારિક મતભેદો અને તેમના જાતિપ્રથા વિરોધી વિચારોને પણ ખૂબ સ્પષ્ટતા સાથે રજુ કરવામાં આવ્યા છે.