અમદાવાદ

ગુજરાતીઓ સરેરાશ કેટલા કલાક કરે છે કામ? જાણો શું કહે છે સર્વે…

અમદાવાદ: વર્ષોથી, ભારતમાં લોકો ખરેખર દર અઠવાડિયે સરેરાશ કેટલા કલાક કામ કરે છે તે ચર્ચાનો વિષય રહ્યો છે. આપણે ખૂબ વધારે કામ કરીએ છીએ કે ખૂબ ઓછું? કેટલાક માને છે કે લાંબા કલાકો કામ કરવાથી ઉત્પાદકતા વધે છે, જ્યારે અન્ય લોકો દલીલ કરે છે કે સ્માર્ટ વર્ક સખત મહેનતને પાછળ છોડી દે છે. પરંતુ કામના આંકડાઓ શું કહે છે?

ગુજરાતીઓ રોજ કેટલો સમય કરે છે કામ?

થોડા દિવસો પૂર્વે જ ભારતમાં આઠથી બાર કલાક સુધી કામ કરવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો અને આ મુદ્દે મીડિયામાં ઘણી ચર્ચાઓ થઈ હતી. કાર્યસ્થળ પર વધુ સમય આપવાની ચર્ચા વચ્ચે, 2024 માટે નેશનલ સેમ્પલ સર્વેના ટાઈમ યુઝ સર્વેમાં જાણવા મળ્યું છે કે ગુજરાતીઓએ નોકરી અને તેને સલગ્ન પ્રવૃત્તિઓમાં સરેરાશ 449 મિનિટ અથવા 7.5 કલાક આપે છે.

આ પણ વાંચો: Bullet Train : મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું 60 ટકા કામ પૂર્ણ, જાણો ક્યારે થશે ટ્રાયલ રન ?

ગુજરાતથી આગળ કયા રાજ્યો?


આ સર્વેની યાદીને જો રાજ્ય પ્રમાણે જોઈએ તો ગુજરાત, કેરળ સાથે પાંચમા ક્રમે છે, જેમાં હરિયાણા 8 કલાક, મહારાષ્ટ્ર 7.8 કલાક અને આંધ્ર પ્રદેશ અને પંજાબ 7.7 કલાક સાથે આગળ છે. સર્વે મુજબ, કાર્યસ્થળ પર વધુ સમય આપવા મામલે સમગ્ર ભારતમાં સરેરાશ 7.3 કલાક અથવા 440 મિનિટ હતી.

શહેરનાં લોકો કરે છે વધુ કામ

સાથે સાથે આ સર્વેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કામ બાબતે જે અંતર છે તેના વિશે જાણવા મળ્યું હતું. જે મુજબ શહેરી પુરુષો અને સ્ત્રીઓ ગ્રામીણ સ્ત્રી-પુરુષો કરતાં વધુ કામ કરે છે. શહેરી વિસ્તારોમાં પુરુષો સરેરાશ 8.9 કલાક અથવા 536 મિનિટ કામ કરતા હતા, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રમાણ 7.7 કલાક અથવા 459 મિનિટ હતું. શહેરી વિસ્તારોમાં મહિલાઓએ 6.2 કલાક કામ કર્યું હતું જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રમાણ 5.3 કલાક હતું.

આ પણ વાંચો: Ahmedabad શહેરમાં કોર્પોરેશન દ્વારા અપાતું પાણી પીવાલાયક છે કે નહિ ? જાણો અહેવાલ

સ્ત્રી-પુરુષમાં આ મામલે કેટલો ભેદ

નેશનલ સેમ્પલ સર્વેના ટાઈમ યુઝ સર્વે મુજબ, જ્યારે કમાણી અને ઘરની સંભાળ રાખવાની વાત આવે છે ત્યારે લિંગ ભેદભાવોની સ્થિતિ હજુ પણ જોવા મળે છે. ગુજરાત માટેનાં આ સર્વેના પરિણામો દર્શાવે છે કે પુરુષો દરરોજ તેમના કુલ સમયના 23% રોજગાર અને સંબંધિત પ્રવૃત્તિઓમાં વિતાવે છે જ્યારે સ્ત્રીઓ માટે, બિન આર્થિક પ્રવૃતિઓ જેવી કે ઘરકામનો હિસ્સો તેમના કુલ દૈનિક સમયના 17.6% જેટલો સૌથી વધુ છે.

આ અંગે આંકડાઓ જોવામાં આવે તો બિનઆર્થિક પ્રવૃતિઓમાં સ્ત્રીઓના દૈનિક સમયનો 6.3% ભાગ, જ્યારે પુરુષો માટે, તેનું પ્રમાણ માત્ર 1% જ છે. સર્વે અનુસાર પુરુષો તેમના દૈનિક સમયનો 11% ભાગ કલ્ચરલ બાબતો, આરામ-ફુરસદ, માસ મીડિયા અને રમતગમત જેવી પ્રવૃતિઓ પાછળ વિતાવે છે, જ્યારે સ્ત્રીઓમાં તેનું પ્રમાણ 9.4% છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button