ગુજરાતી આર્મી જવાનની ચાલુ ટ્રેનમાં છરીના ઘા મારીને હત્યા, રાજસ્થાનમાં બની ઘટના

અમદાવાદઃ રવિવારે મોડી રાત્રે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં ગુજરાતના 27 વર્ષીય આર્મી જવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ઘટના રવિવારે રાત્રે 11:30 વાગ્યે લુણકરણસર અને બિકાનેર સ્ટેશનો વચ્ચે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં બની હતી. આ મામલે રેલવે પોલીસે કેટલાક કોન્ટ્રાક્ટ રેલવે એટેન્ડન્ટ્સની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરી હતી પોલીસને એવી શંકા છે કે સેનાના જવાનનો એટેન્ડન્ટ્સ સાથે ઝઘડો થયો હતો અને ત્યાર બાદ મામલો હત્યામાં પરિણમ્યો હશે.
જીઆરપી બિકાનેરના ઇન્ચાર્જે આ મામલે શું કહ્યું?
આ મામલે જીઆરપી બિકાનેરના ઇન્ચાર્જ આનંદ કુમારે વિગતો આપતા જણાવ્યું કે, સેનાના જવાન જીગર કુમાર ચૌધરી ફિરોઝપુર (પંજાબ)થી સાબરમતી એક્સપ્રેસમાં બેઠા હતા. તેમને સાબરમતી (ગુજરાત) પહોંચવાનું હતું. ચાલુ ટ્રેનમાં રસ્તામાં લુણકરણસર અને બિકાનેર વચ્ચે તેમનો કેટલાક યુવાનો સાથે ઝઘડો થયો હતો. બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. યુવકોએ જીગર કુમારના શરીર પર છરીના ઘા ઝીક્યા હતા, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ડબ્બો પણ લોહીથી રંગાઈ ગયો હતો. તેઓ ઈજાથી ટ્રેનમાં તડપી રહ્યા હતા. ટ્રેન લગભગ 12:15 વાગ્યે બિકાનેર પહોંચી હતી. જીઆરપી અને રેલવેના ડૉક્ટરો પહેલાથી જ ત્યાં હાજર હતા.
પરિવાર આવશે ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ડૉક્ટરે જીગર કુમારની તપાસ કરી અને તેને બિકાનેરની પીબીએમ હોસ્પિટલમાં રેફર કર્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યો છે. આર્મી જવાનનો પરિવાર આવશે ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. . જવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો તે સ્થળ પર પણ એફએસએલ તપાસ કરવામાં આવશે.
આપણ વાંચો: મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ શું કર્યો મોટો નિર્ણય? જાણીને ચોંકી જશો



