ગુજરાતમાં સરકારે હાથ ધર્યું ઓપરેશન ક્લીનઃ અસામાજિક તત્વોની હવે ખેર નથી…

અમદાવાદઃ રાજ્યમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને અસામાજિક તત્વોની વધી રહેલી ગુંડાગીરી પગલે પોલીસ એક્શનમાં આવી હતી. જે અંગે રાજ્યના મુખ્ય પ્રધાન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાનની અધ્યક્ષતા મળેલી બેઠકમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસને આદેશ આપ્યા હતા. તેમજ રાજ્ય ડીજીપીએ પણ તમામ જિલ્લા પોલીસ વડાને આરોપીઓ અને અસામાજિક તત્વોની યાદી બનાવીને 100 કલાકમાં કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતભરમાંથી 7612 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર, હવે થશે બુલડોઝર કાર્યવાહી
ઈદ અને રામનવમી સુધીમાં થશે કાર્યવાહી
ઓપરેશન ક્લીનના નામે ગુજરાત પોલીસ દ્વારા અસામાજિક તત્વોની યાદી બનાવવામાં આવી છે. જેમાં 7612 વ્યક્તિઓની યાદી તૈયાર થઈ છે, જેમાં 3264 બુટલેગરો, 516 જુગારીઓ, 2149 શરીર સબંધી ગુનેગારો, 958 મિલકત સબંધી ગુનેગારો, 179 માઇનિંગ અને 545 અન્ય અસાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીનું લિસ્ટ તૈયાર કરાયું છે.
યાદીમાં જે લોકોના નામ છે તેમના પર રમઝાન મહિનો પૂરો થાય તે પહેલા ઈદ અને રામનવમી સુધીમાં કાર્યવાહી કરવામાં આવશે. ઈદ અને રામનવમીના તહેવાર પર કાયદા અને કાનૂની સ્થિતિ કથળે નહીં તે માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ડીજીપીના આદેશ અનુસરા તૈયાર કરવામાં આવેલા લિસ્ટમાં સામેલ લોકો સતત પોલીસના રડારમાં રહેશે.
ડીજીપી ઑફિસ દ્વારા જાહેરા કરવામાં આવેલા આંકડા મુજબ, સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં 25, ગાંધીનગરમાં 6, વડોદરા શહેરમાં 2, સુરતમાં 7, મોરબીમાં 12 સહિત કુલ 59 સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. 10 માથાભારે ઈસમોને તડીપાર કરવામાં આવ્યા છે, જ્યારે 724 લોકોની અટકાયત કરવામાં આવી છે. ડીજીપી ઓફિસ અનુસાર 16 ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. ઉપરાંત 81 ગેરકાયદે વીજળી જોડાણ કનેકશન હટાવાયા છે.
પોલીસ દ્વારા રાજ્યમાં અસામાજિક તત્વો પર કાયદાનો ગાળિયો ભીંસવાની સાથે તેમની કમર તોડવાનો પૂરો પ્લાન બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત એક તરફ અસામાજિત તત્વો પર કાનૂની કાર્યવાહી તો કરવામાં આવી રહી છે અને બીજી તરફ ગેરકાયદે સંપત્તિના તપાસ અને જપ્તી ઉપરાંત તેના પર કાર્યવાહીનો પ્લાન બનાવાયો છે. ડીજીપી ઑફિસ અનુસાર આગામી સમયમાં લગભગ વધુ 100 અસામાજિક તત્વો પર પાસાની કાર્યવાાહી કરાશે. ઉપરાંત 120ને તડીપાર, 265ની અટકાયત કરાશે.
આ પણ વાંચો: Gujarat પોલીસ એકશનમાં, 7612 આરોપીઓની યાદી તૈયાર કરી કાર્યવાહી શરૂ કરી
ડીજીપીએ સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો પર કાર્યવાહી દરમિયાન સતત કોમ્બિંગ, નાઈટ પેટ્રોલિંગ, દરોડા, વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગનો આદેશ આપ્યો છે. ઉપરાંત જે ઇસમો કોર્ટની જામીનની શરતોનું ઉલ્લંઘન કરતા હોય તેમની સામે પણ કાર્યવાહી કરવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના વસ્ત્રાલમાં હાથમાં તલવાર લઈને અસામાજિક તત્વોએ મચાવેલા આતંકનો વીડિયો વાઇરલ થયા બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી હર્ષ સંઘવીની લીલી ઝંડી બાદ હવે ડીજીપી એક્શન મોડમાં આવ્યા છે.